70 - જેને હૈયે હેમર હાલે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


જેને હૈયે હેમર હાલે રે
    એને અંગે અંગે પીડા ઘણી :
જેનું મનડું વ્હાલે મ્હાલે રે
    બનશે એક દી સુરતા ધણી.

એકનું લઈ અવરને આપે, એ તો પંડને ઠાલો થાક;
તારવી દેવી દુનિયા, એ તો રાજસનો પરિપાક :
    એવી તૃષ્ણા તરસી સાલે રે,
        જનમોજનમે રહે વાંઝણી. -

નાનકડી ઘડિયાળનું જુઓ, નાજુક સંચાકામ;
કલને આધાર ચાલી રહ્યા છે ચક્ર કમાન તમામ :
    એવી દુનિયા અવિરત ચાલે રે,
        સંવાદી છે કણીયે કણી. -

ભેળવી દો ને ભાઈ, તમારું મનડું હરિને મન;
આપ વરતો જેમ વરતે આ તેજ, પાણી ને પવન:
    રાખે વ્હાલો જે વિધ વ્હાલે રે,
        રહીએ એ વિધ સુવિધા ગણી.-


0 comments


Leave comment