71 - પલનો નહીં વિશ્રામ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


પથિકને પલનો નહીં વિશ્રામ.
મર તન ઓથે રહે અઢેલ્યું,
    મન ધપતું અવિરામ.
    પથિકને પલનો નહીં વિશ્રામ.

દૂરદૂર ધ્રુવતારો,
એ જ લક્ષય, વળી એ જ સહારો :
એ પ્રતિ મીટ રહે મંડાઈ
    અવિરત આઠૉ જામ. -
    પથિકને પલનો નહીં વિશ્રામ.

કંટક કેડી, ફૂલ પથારી,
વિષમ કશું નહીં, નહીં લવ યારી;
ચિત્કારે ચિત, હસે હૈયું, પણ -
    મન નિર્મમ નિષ્કામ, -
    પથિકને પલનો નહીં વિશ્રામ.

આશ નિરાશે
ઊંચે શ્વાસે
લખલખમાં એક અલખ ઉપાસે;
ઉપાસના કહો, યાત્રા કહો, કહો
    પંથ, કહો હરિનામ. -
    પથિકને પલનો નહીં વિશ્રામ.


0 comments


Leave comment