72 - મેઘલી રાતુંનો હાલનારો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


સ્વામીજી, હું તો મેઘલી રાતુંનો હાલનારો.

રાતું ધરતીની કેવી, પહોરોએ વીતે તેવી,
    લાવે સૂરજ પ્રાણપ્યારો;
મારા આ આયખામાં આવી તે રાત કેવી,
    ગાઢૉ અંધાર એકધારો. -
સ્વામીજી, હું તો મેઘલી રાતુંનો હાલનારો.

માયાની મેઘલીએ આખું આકાશ ધેર્યું,
    જોઉં ન તેજ અણસારો;
ક્યારેક પંથ મારો દિયે અંજવાળી એ તો
    વીજળિયુંનો ચમકારો. -
સ્વામીજી, હું તો મેઘલી રાતુંનો હાલનારો.

ઝંખું પરભાત નાહીં, મારી ઝંખા ન કાંઇ
    ટૂંકી આ થાય પગથારો;
મારી સરોદ કેરી સ્વામીજી, ઝંખના જે
    રાહે દરશાવો ધ્રુવતારો. -
સ્વામીજી, હું તો મેઘલી રાતુંનો હાલનારો


0 comments


Leave comment