73 - ભજનિક / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ચાલ્યો જાય છે પથિક.
એને ગરમીય ઠીક,
    એને શરદીય ઠીક -
    ચાલ્યો જાય છે પથિક.

નયણા નમેલ એનાં જગને ન જુવે;
શુંય રે નિહાળી ભીતર બેહદ રૂવે !
ઠોકરે જાગી એ જુવે
    જગ તો જરીક -
    ચાલ્યો જાય છે પથિક.

નહીં રે મારગ એનો ચરણો જે ચાલે;
ભીતરને રાહ ચાલી મનશું એ મ્હાલે;
જનમજનમ જાત્રા,
    નહીં એ ક્ષણિક -
    ચાલ્યો જાય છે પથિક.

મોકળે કંઠે એ ગાણું હરિવરનું ગાવે;
ઘડી નાચે, ઘડી રૂવે, ઊભો રહી જાવે;
ઓળખ્યો ન એને ?
    એ તો સરોદ ભજનિક -
    ચાલ્યો જાય છે પથિક.


0 comments


Leave comment