74 - પગલાંને સંભાળ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
પગલાંને સંભાળ,
પછી ભલે લાંબી ભરજે ફાળ,
પહેલાં તારાં પગલાંને સંભાળ જી.
કંકર આવે, કાંટા આવે,
આવે કાળ કરાળ જી;
પગલાં તારાં લડથડે છે
વેરી વાટ વચાળ :
પહેલાં તારાં પગલાંને સંભાળ જી.
સૂકા સાથે લીલું આવે,
એ લીલાને પણ ટાળ જી;
છદ્મવેષી લોભવે તને
એવી વિધ પણ કાળ :
પહેલાં તારાં પગલાંને સંભાળ જી.
વામન પગલાં ત્રણ ભર્યે
ભરે સ્વર્ગ પૃથ્વી પાતાળ જી;
ક્હે સરોદ, તારાં એ જ છે પગલાં,
એ પગલે પગલું પાળ :
પહેલાં તારાં પગલાંને સંભાળ જી.
0 comments
Leave comment