75 - ભવનો કૂવો /મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ઊંડા ઊતરી જુઓ,
    ખાલી ભવનો કૂવો.

ધોરી જોડેલા બેચાર,
ખેતર ખેડેલું તૈયાર;
જળ રે વિનાનો મથતો
    ખેડૂ એ મૂવો.
    ખાલી ભવનો કૂવો.

પનઘટ આવેલી પનિહાર,
માથે ઘડૂલાનો ભાર;
વળતી વનિતાને પૂછો,
    શાને રૂવો ?
    ખાલી ભવનો કૂવો.

તરસું લાગી અપરંપાર,
હૈડામાં જાગ્યો હાહાકાર;
થાળાના ઓશીકે જીવ, શા
    સુખડે સુવો?
    ખાલી ભવનો કૂવો.

વીરડો ગાળી લો ભવ બાર,
છૂટશે અમરતની ધાર;
તરસું છીપાયા કેડે જ
    અખિયાં લ્હૂવો.
    ખાલી ભવનો કૂવો.


0 comments


Leave comment