77 - સૂઝે ન ગજનો આંકો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


હાલે શું વાંકો વાંકો રે,
તને સૂઝે ન ગજનો આંકો.

માંહે જુઓ તો કંઇ જ મળે નહીં, ઉપર ભભકાદાર,
તિલક કર્યે કંઇ હરિ ન મળે, તારો દેખ ભીતરનો દીદાર -
દીન હીન ને રાંકો રે : -
તને સૂઝે ન ગજનો આંકો.

વાદ કર્યે, ભાઈ, વેદ ન વરસે, જીભે ઝાઝું જોર;
વાત મહીં તો બસ જાત વિલાસે, તમતમ તીખે તોર -
ફુલણજીનો ફાંકો રે : -
તને સૂઝે ન ગજનો આંકો.

કહે સરોદ, તારી પૈડ મૂકી હરિચરણે સઘળું મેલ,
એ જ દેશે તારા જીવતરિયા કેરાં તંબૂરે તૂટેલ -
તારમાં ટાંકો રે : -
તને સૂઝે ન ગજનો આંકો.


0 comments


Leave comment