78 - પાંચ હાથનો પનો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


એમાં શું થનગનો ?
પછેડીનો પાંચ હાથનો પનો.

પાંચ હાથની મળી પછેડી,
    ભરવો ભવનો ભાર;
ગાંઠ વાળીને ગઠડી બાંધવી,
    લઈ જવી ઉસ પાર!
માયાના જીવ,
    તમારો કોણ ભાંગશે સનો ? -
    પછેડીનો પાંચ હાથનો પનો.

એ રે પછેડીને રંગ દઈને
    પાડવી વિધવિધ ભાત;
ખેસ કરવો એનો, પાઘ કરવી એની,
    કરવી રંગ-બિછાત !
એ રે કારણે વનરા વેડો,
    એનો શું વાંક કે ગનો ! -
    પછેડીનો પાંચ હાથનો પનો.

રાતદિવસ એ ગૂથે પછેડી
    અવની માંહી અજોડ;
પળપળ એ તો જર્જર થાતી,
    આખર બનશે સોડ :
રામનું સમરણ કરવા કહેતાં
    હજીય તમારો નનો ! -
    પછેડીનો પાંચ હાથનો પનો.


0 comments


Leave comment