79 - ભેદ કરે એ ભૂલે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
ભેદ કરે એ ભૂલે,
હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
એક જ અગનિ જલી રહ્યો છે
ઘરઘર કેરે ચૂલે.
હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
જેવી લાગુ પડી જાય ચાવી કે
તત્ક્ષણ તાળાં ખૂલે;
ભિન્ન લુહારે ભલે બનાવી,
એને ચરણ ચિત ડૂલે -
હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
અગણિત બાગબગીચા બ્હેકે
એક જ સરખાં ફૂલે;
મરમી મનડા મત થઈ એની -
સત સૌરભને મૂલે. -
હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
જાતિ-પાંતિના ભેદ ભયાનક
કેમ સરોદ કબૂલે ?
જેવી જુએ જ્યોત કે એનું
મન મગન થઈ ઝૂલે. -
હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
0 comments
Leave comment