80 - આછરવા દે નીર / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
માનસરોવર મેહુલે છલક્યું,
એ છલકયું ચારે તીર;
મોતીડાં ચણવા થા ન અધીર,
હંસ, એનાં આછરવા દે નીર.
ઠારવા કેરું ઠામ ભલે એ તારું,
તુંય પિયાસી ચિર;
અંતરિયું પણ ઊકળી હાલ્યે
ધારણ કરવી ધીર : -
મોતીડાં ચણવા થા ન અધીર,
હંસ, એનાં આછરવા દે નીર.
ગિરિવર કેરી ગોદથી નીતર્યાં
નરવાં નિર્મળ નીર;
આજ અષાડની અનગળ ધારે
મેલાં થયાં મલીર : -
મોતીડાં ચણવા થા ન અધીર,
હંસ, એનાં આછરવા દે નીર.
પર હશે એ તો પળમાં જાશે,
થાશે નિજનાં થીર;
યુગયુગથી બેલી, ગાંઠ બંધાઈ, દોય -
આતમના છો અમીર : -
મોતીડાં ચણવા થા ન અધીર,
હંસ, એનાં આછરવા દે નીર.
આભ ઊઘડશે ને સૂરજ તપશે,
તગશે હૈયા હીર;
ગિરિ કૈલાસની છાંય પડશે, ત્યારે
હોંશે નમાવજે શિર : -
મોતીડાં ચણવા થા ન અધીર,
હંસ, એનાં આછરવા દે નીર.
0 comments
Leave comment