80 - સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ / મનોજ ખંડેરિયા


સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ
બંધ જીવતરની ડેલી ખોલી નાખ

બંધ મુઠ્ઠીની છે સમસ્યા સહુ
તારી મુઠ્ઠી તું વ્હેલી ખોલી નાખ

શ્વાસને સાવ છુટ્ટા મેલી દે !
તું હવાની હવેલી ખોલી નાખ

બારની તડથી આવે મ્હેક હવે
ક્યાંક મ્હેકે ચમેલી ખોલી નાખ

બીજમાંથી સીધી પૂનમ દઈ દે !
સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ

આ ગઝલ આપણા જીવન – તાંદુલ
પોટલી શરમ મેલી ખોલી નાખ

બાર વાસ્યું છે અમથું અડકાડી
સહેજ હડસેલી ઠેલી ખોલી નાખ


0 comments


Leave comment