60 - થરથરતો દૂર થાય ન ખાલીપો તાપણે / મનોજ ખંડેરિયા


થરથરતો દૂર થાય ન ખાલીપો તાપણે
થીજી ગયેલ યુગના પ્રતિનિધિ આપણે

દ્રશ્યો નિહાળવામાં બને અંતરાય- રૂપ
વળગ્યો છે ભૂતકાળનો જે ભાર પાંપણે

આંખો છે લીલી કાચ ને જે જોઉં તે લીલું
એવો તો ડંખ કારમો માર્યો છે સાપણે

મારી ત્વચાઓ જાણે ઉતરડી લીધી સળંગ
છીનવી લીધાં છે વિસ્મયો દુનિયાના ડહાપણે

પોતીકી વાતનો જ સૂરજ ઝળહળી શકે
અંધાર દૂર થાય ન બીજાની થાપણે

સપનાં અને ઉદાસીનાં અડતાં મકાનની
મજમુ દીવાલ જેવાં છીએ દોસ્ત, આપણે !


0 comments


Leave comment