39 - જિંદગી જીવવા શબદ આપી- / મનોજ ખંડેરિયા


જિંદગી જીવવા શબદ આપી-
કેવી માગ્યા વગર મદદ આપી !

સુદ કદી તો કદાપિ વદ આપી
નભની સમજણ હરેક પદ આપી

રાઈથી સાવ ઝીણું કદ આપી
અંત આપ્યો નહીં, ન હદ આપી

માત્ર ક્ષણભરનું આ દરદ આપી
કેટલી આ નજર વિશદ આપી

ચાંદની દીધી ને સ્મરણ દીધાં !
ને ઉપરથી ઋતુ શરદ આપી

તૂટવા ના દીધા કદી અમને,
મજબૂતી માંહ્યલો મરદ આપી

નિત્ય ગિરનાર મ્હોરે આંખોમાં,
આ સ્થિતિ કેટલી સુખદ આપી !


0 comments


Leave comment