10 - ઇચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી છે આ / મનોજ ખંડેરિયા


ઇચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી છે આ
અજવાસ અસ્તવ્યસ્ત થવાની ઘડી છે આ

ધસમસતું ઘોડાપૂર નીરવતાનું આવતું
કાંઠાઓથી વિરક્ત થવાની ઘડી છે આ

આવી ગયો છે સામે શકુનિ સમો સમય
આજે ફરી શિકસ્ત થવાની ઘડી છે આ

થાકી ગયાં હલેસા, હવે સઢ ચડાવી દો !
પાછા પવન –પરસ્ત થવાની ઘડી છે આ

હર ચીજ પર કળાય અસર પક્ષઘાતની
જડવત્ નગર સમસ્ત થવાની ઘડી છે આ

લીલાશ જેમ પર્ણથી જુદી પડી જતી
એમ જ હવે વિભક્ત થવાની ઘડી છે આ

પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે !
ઘર અંધકાર-ગ્રસ્ત થવાની ઘડી છે આ


0 comments


Leave comment