83 - ઊંધા અગનને વાળો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ઊંધા અગનને વાળો
    મારા સંતો,
    ઊંધા અગનને વાળો રે હો જી.

ઉર ઉદરમાં વાસ કરે, એના
    તીખા તખમને નિહાળો રે હો જી;
અંગ થકી રહે આગ નિતારી,
    એની આંચે આ દુનિયાની ઝાળૉ : -
    મારા સંતો,
    ઊંધા અગનને વાળો રે હો જી.

અન્ન ભખે અહોરાત એ ઓદરે,
    શ્વાસ ભખે રુદિયાળૉ રે હો જી;
તેજ ભખે તેય વિધવિધ રૂપે,
    ધૂંવ સમો તોય કાળો : -
    મારા સંતો,
    ઊંધા અગનને વાળો રે હો જી.

એને દિયો જી તમે અનશન આકરાં,
    આપ ભખે ને બને આળો રે હો જી;
ઊંચે અગન એની ચિત્તમાં ચડતાં,
    સોહશે ચાંદલિયાળો : -
    મારા સંતો,
    ઊંધા અગનને વાળો રે હો જી.

લાગે આ કોયડો કોડી સમો જેને
    મિલ્યો સુષુમણાનો તાળો રે હો જી;
કહે સરોદ સતગુરુ પરતાપે
    જોગી છે જ્યોતજટાળો : -
    મારા સંતો,
    ઊંધા અગનને વાળો રે હો જી.


0 comments


Leave comment