84 - દર શોધો ભમરીનાં / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
સાધુ, દર શોધો ભમરીનાં.
ડંખ દઇ જે દુઃખ ઉપજાવે
રોમરોમમાં તીણા.-
સાધુ, દર શોધો ભમરીનાં.
મનનો કીટ રહ્યો અતિ કામી,
બેહદ પાજી બડો હરામી;
એની દુગધા કદી ન વામી,
કરતૂક કરતો હીણા. -
સાધુ, દર શોધો ભમરીનાં.
એ દર રહ્યાં અગોચર સ્થાને,
હરિકિરપા વિણ કોઈ ન જાણે;
એ કાજે જ ભજન કરવાને
તન મન ચેતન દીનાં. -
સાધુ દર શોધો ભમરીનાં.
હરિકિરપાએ ગુરુ મિલ જાવે,
ડંખ દિએ ઓર દરમાં લાવે;
અંત કીટ ભમરી રૂપ પાવે
પરમ પદ્મમય જીનાં. -
સાધુ, દર શોધો ભમરીનાં.
0 comments
Leave comment