85 - રાફડાની રાણી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
શોધો રાફડાની રાણી,
સંતો રે ભાઈ ,
શોધો રાફડાની રાણી રે હો જી.
શું રે માનવ, શું દેવ ને દાનવ,
સારી આ ભોમકા ભેળાણી રે હો જી;
એકે અનેક એવા રાફડા ઊભર્યાં,
એ રાફડે દુનિયા ઘેરાણી.
સંતો રે ભાઈ ,
શોધો રાફડાની રાણી રે હો જી.
રજ તણો એ ઊંચો ઢગ બનાવે,
છે રાફડા એની એંધાણી રે હો જી;
કાળ ભુજંગને વસવા નોતરે
હૈયે ઊલટ બહુ આણી.
સંતો રે ભાઈ ,
શોધો રાફડાની રાણી રે હો જી.
રાફડા ખોદ્યે એનો અંત ન આવે,
એ તો છેક તળિયે સંતાણી રે હો જી;
એક ખોદો કે બીજો ક્ષણમાં ઊભરે,
એ વાત કોઈથી સમજાણી.
સંતો રે ભાઈ ,
શોધો રાફડાની રાણી રે હો જી.
મનનું મૂળ એ તો અંતર બેઠી
કરી રહી છે ધૂળધાણી રે હો જી;
કહે સરોદ, એને હુંપદા સમજો,
ઠાર કરી દો અરિ જાણી.
સંતો રે ભાઈ ,
શોધો રાફડાની રાણી રે હો જી.
0 comments
Leave comment