86 - પાણી પીએ પડછાયા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


કેવી અજબ જેવી માયા,
    પરબનાં પાણી પીએ પડછાયા !

પંડે અચળ તોય વાગી રહે જેવા
    તૃષ્ણાના ઢોલ તરઘાયા
પડછાયા નીપજેલ પંડ થાકી પાતળા
    જાય છે તાલમાં તણાયા.
    પરબનાં પાણી પીએ પડછાયા !

પંડ નિહાળે એને અકળ અચંબે,
    આ કેવા છે ખેલ સરજાયા !
થાકી લોથપોથ બનતા પંડ પડછાયા એ
    છદમ ઓથે અટવાયા.-
    પરબનાં પાણી પીએ પડછાયા !

પાસે પરબનાં પાણી નિહાળી
    એનાં તરસે તાળવાં સુકાયાં;
માની લિયે મહા તારણહારો, જેણે
    ખોબલોય પાણીડા પાયાં -
    પરબનાં પાણી પીએ પડછાયા !

ચાલે છે ખેલ આવો આદિ અનાદિથી,
    વાહ રે વિશ્વંભર રાયા !
શાતા સહેજ એના હૈયે સરોદ જેના
    પડછાયા પંડમાં સમાયા.-
    પરબનાં પાણી પીએ પડછાયા !


0 comments


Leave comment