89 - દીવડા કોણે કર્યા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
આ કોડિયે કોડિયે દિવા કે દીવડા કોણે કર્યા રે લોલ ?
આ રે ભવાટવીમાં વાટે ને ઘાટે મળે અંધકારના ઓથાર;
એ રે ઓથારની સામે ઝઝૂમતી દીવડાની વણજાર :
આ ખોળીયે ખોળીયે દિવા કે દીવડા કોણે કર્યા રે લોલ ?
દીવો બુઝાય એક, દીવો પેટાય એક, વણથંભી દીવાની હાર;
આજ નહીં,કાલ નહીં, કોઈ પણ કાળ નહીં બુઝાશે જ્યોતનો ઝગાર:
આ ઘોડિયે ઘોડિયે દિવા કે દીવડા કોણે કર્યા રે લોલ ?
દીવા દીવાની સાથ સંમિલતાં જ્યોતનો જાણે ધરે શણગાર;
ઘેરા અંધાર મહીં ઝંઝાનાં માર મહીં ઝળકે છે દીપનો દુલાર:
આ ઘોડિયે ઘોડિયે દિવા કે દીવડા કોણે કર્યા રે લોલ ?
દીવડેય પ્રગટે છે જ્યોત નવી, જ્યોત એ જ સંસારે સાર;
સરતા સરોદ તણા સોહંતા દીપ કરે ઝળહળ જ્યોતિનો જયકાર:
આ સોડિયે સોડિયે દીવા કે દીવડા કોણે કર્યા રે લોલ?
0 comments
Leave comment