90 - રૂપ અહીં રેલાયું / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


થઈ પાંદડિયો ધૂપ
    રૂપ અહીં રેલાયું ગુપચુપ.

નહીં માંડવે વેલ, નહીં ડોલરિયા ક્યારા;
નહીં કમળના કુંડ, નહીં ગુલગોટ દુલારા;
છલી રહ્યો રસફૂપ :
    રૂપ અહીં રેલાયું ગુપચુપ.

અહીં પર્ણના પુંજ, નીલ રંગોની છાયા;
અધછાના અધછતા શ્યામ ઘનશ્યામની માયા;
મંદ છતાંય અનૂપ,
    રૂપ અહીં રેલાયું ગુપચુપ.

વસે અહીં તે શ્વસે રૂપની સૌમ્ય સુંગધી,
પરમ પંડની પરખ, સુરતા સહ રસસંધિ;
રૂપ છતાંય અરૂપ,
    રૂપ અહીં રેલાયું ગુપચુપ.


0 comments


Leave comment