91 - લીલવણું લહેરાણું / મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
આજ લીલવણું લહેરાણું :
તારી મીઠી મહેર પરમાણું, હો નાથ,
લીલવણુ લહેરાણુ.
તાપે પરિતાપે સાવ સૂકી સરવાણી;
હૈયામાં હેતની ઓછપ વરતાણી;
ત્યારે સાચવ્યું તેં ટાણાસર ટાણું :
હો નાથ,
લીલવણું લહેરાણું.
કોળી ઊઠ્યાં છે આજ ડૂંડલિયાં ખેતમાં;
કોળી ઊઠ્યાં છે આજ હૈયાં અમ હેતમાં;
આ કોળ્યું છે કંઠમાં ગાણું:
હો નાથ,
લીલવણું લહેરાણું.
તારા - મય હૈયામાં ઊઠે ઉદગાર,
દૂભવે છે સુખીયો આ સારો સંસાર;
તું વિણ ખાલી અભરે ભરેલ ભાણું :
હો નાથ,
લીલવણું લહેરાણું.
0 comments
Leave comment