92 - પરમ પ્રેમની રમણા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
શી પરમ પ્રેમની રમણા !
તેજપુંજ આવે તે આવે છે
થઈ નેનને નમણા :
શી પરમ પ્રેમની રમણા !
ફૂલ કોકિલા, ચંદ્ર, લહરખી,
- પ્રેમપત્રની ચારુ ચબરખી ! -
વાત કરી વ્હાલમની જાય કે
વાટ જુએ છે હમણાં :
શી પરમ પ્રેમની રમણા!
નેન-શોભના, શ્રવણમાધુરી,
હૃદય રંજિતા પૃથ્વીની પુરી;
સુખદ વાસ, હુલ્લાસ હર્ષના
શ્વાસે શ્વાસ ઉજમણાં :
શી પરમ પ્રેમની રમણા!
અલ્પ શક્તિ, અતિ અલ્પ જીરવણાં;
અહંભાવના સતત પજવણાં;
પરમ પ્રેમની પ્રતીત, દર્શવે
સત્યનેય કરી શમણાં :
શી પરમ પ્રેમની રમણા!
0 comments
Leave comment