94 - અલખનો આનંદ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


આપણે તો, ભાઈ, અલખનો આનંદ.
    સાયર લ્હેરું થોડિયું,
મારે ઘટ ઘણેરા છંદ : -
    આપણે તો, ભાઈ, અલખનો આનંદ.

દુઃખ અને સુખ સોહ્યલાં, ભાઈ,
    દોહ્યલો દૂજો રંગ;
રંગ ચડે જેને રામનો એ તો
    ખલકે વાળે ખગ :
ધોમ ધખારે પગલે એને
    પ્રગટે પૂરણ ચંદ. -
    આપણે તો, ભાઈ, અલખનો આનંદ.

ભગતિમાં નહીં ભીષણતા, એ તો
    રંગ રેલાનાં રૂપ;
હસતાં રમતાં નમતાં જાતાં
    મરમી ચૂપાચૂપ :
એ રે એંધાણીએ આવજો વીરા,
    પ્રાણ કરી નિષ્પંદ. -
    આપણે તો, ભાઈ, અલખનો આનંદ.


0 comments


Leave comment