95 - ભગતિની વાટું / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


વનવગડામાં કાંટું, એમાં
    ફૂલડાં કેરી ફાંટું રામ;
    એવી ભગતિની વાટું.
ભડભડ સહરા સીમ બળે, એમાં
    ઝરમર ઝરમર છાંટું રામ; -
    એવી ભગતિની વાટું.

પ્રાણ વિજોગી ઘેલો ઘૂમે,
શમણાં આવે સર શો ઝૂમે,
નાથ ચરણમય ભૂમિ ચૂમે,
વ્યથિત હૈયું ને સ્વર કલ્લોલિત.
    સ્નેહ તણું એ સાટું રામ; -
    એવી ભગતિની વાટું.

આંખ અઘોર વિરાટ વિલોકે,
ઘુમરાતી અથડાય ત્રિલોકે,
નરસિંહ મીરાં ન્યાળી ચોંકે,
દરશન રસિયો દે આ મોકે,
    સરોદ તો હું ખાટું રામ; -
    એવી ભગતિની વાટું.


0 comments


Leave comment