5 - ઊઘડતું આકાશ / ગઝલપૂર્વક / રાજેશ વ્યાસ 'મિસ્કીન'


    આજે, અંકિત ત્રિવેદી એ ગઝલક્ષેત્રે ઝાકળ જેટલું તાજું નામ છે. સફળ સંચાલક તરીકે જાણીતો અંકિત શ્રોતાની નાડ પારખવામાં કુશળ છે, પરંતુ તેની ગઝલો કેવળ મુશાયરાની નીપજ નથી. અંકિતની ગઝલનિષ્ઠા `ગઝલપૂર્વક'ની ગઝલો વાંચતાં અનુભવાય છે. અંકિતની ગઝલોના ઝરણાને પોતાનો મૌલિક અવાજ છે. મૌલિક એટલે નવો, New નહીં. મૌલિક એટલે Original અને Original શબ્દને Origin સાથે સંબંધ છે. આમ મૂળ સાથે સંબંધ ધરાવતી ઝાકળ જેવી તાજગીસભર આ ગઝલોને ગઝલપૂર્વક આવકારું છું.
આવ, આવીને કોઈ રકઝક ન કર,
સાવ ખાલી આંખને ભરચક ન કર.
*
આપણે પોતાને સમજાયા નથી,
જોઈએ તેવા વલોવાયા નથી.
*
હું દીવાનું શાંત અજવાળું હતો,
તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.

     અંકિત તેની પેઢીના ગઝલકારો કરતાં નોખો તરી આવે છે. ગઝલપૂર્વકની ગઝલોમાંથી પસાર થતાં ગઝલોનું કાફિયાવૈવિધ્ય, ભાષાકર્મ, ગઝલની માવજત અને ગઝલ પ્રત્યેની તેની નિષ્ઠા કોઈ પણ સાચા ભાવકને હવેના સંગ્રહ માટે મોટી આશા જગાવે છે. પ્રયોગખોરી અને આધુનિક દેખાવાના અભરખાથી મુક્ત આ ગઝલોની ગતિ ગઝલપૂર્વક થઈ રહી છે તેનો આનંદ છે. આજની ચીલાચાલુ ગઝલમાં પોતાના ચીલે મક્કમતાથી આગળ વધવાની કલા અંકિત પાસે છે. અંતે તેના જ શબ્દોમાં કહું તો –
એ નથી હોતાં કોઈ આકારમાં,
હોય છે તો હોય છે અણસારમાં.
*
કાલ માટે થોડું બાકી રાખજો,
ના વિચારો આટલું અત્યારમાં.
– રાજેશ વ્યાસ `મિસ્કીન'


0 comments


Leave comment