6 - અંકિત ત્રિવેદી ગઝલનો એક નવો આહ્લાદ.../ ગઝલપૂર્વક / રમેશ પુરોહિત


    વાણી વહેતો પ્રવાહ છે તો તેમાં ઠરેલાં અમૃતબિંદુઓ ગઝલ છે. આવી ગરવી ગઝલને ખાબોચિયામાં બાંધી શકાય નહીં. શબ્દ જ્યારે ગઝલનો શબ્દ બને ત્યારે એ ઝાલર મટીને નાદબ્રહ્મની સરહદમાં પ્રવેશે છે. ગઝલના શીલને અને સૌંદર્યને નિખાર આપે એવી ગઝલ, સાચા શબ્દથી સૌંદર્યબોધ કરાવતી ગઝલ, રજૂઆતની નવીનતા અને અભિવ્યક્તિની ખૂબીથી ખીલી ઊઠતી ગઝલ હવે ક્યારેક ક્યારેક જોવા મળે છે. ગઝલ વાંચીને ગણગણવાનું મન થાય એવી સંગીતે મઢેલી નવોઢા ગઝલ મળે તો એ આપણી ભાષાનું સૌભાગ્ય છે એમ હું માનું છું.

     ગઝલના મિજાજને જાણનારા નવયુવાન ગઝલકારોમાં ઘણા આશાસ્પદ છે એમ કહેવું એ જાતછેતરામણી છે. બહુ જ ઓછા કવિઓ ઉપર કહેલા ગઝલના થોડાક ગુણોને જાણી શક્યા છે, નાણી શક્યા છે અને અનુભૂતિને અભિવ્યક્ત કરી શક્યા છે. આમાં એક નામ છે, અંકિત ત્રિવેદી. ગીત અને ગઝલ લખે છે નિજાનંદ માટે, પણ એમનું એક પ્રદાન વધારે નોંધનીય છે કે આ કવિને હૈયે અને હોઠે સમગ્ર ગુજરાતી કવિતા આઠે પ્રહર રમમાણ રહે છે.

     કવિસંમેલનો, મુશાયરાઓ, ગીત-સંગીત અને બીજા સાંસ્કૃતિક કાર્યક્રમોના ઉદ્ગાતા સંચાલક તરીકે એ બીજા કવિઓની રચનાઓને શ્રોતાઓ સમક્ષ એવી રીતે ઉજાગર કરે છે કે દરેક સાંભળનારને કવિતાપદાર્થના રસાસ્વાદની લહાણી મળે છે. ગુજરાતી ઉપરાંત ઉર્દૂ-હિંદી ગઝલો પણ એમને સહજ છે. આવા નવયુવાન કવિનો ગઝલસંગ્રહ `ગઝલપૂર્વક' તાજેતરમાં પ્રગટ થઈ રહ્યો છે ત્યારે એ સંગ્રહના કાવ્યતત્ત્વની થોડીક ઝાંખી કરીએ.

     અંકિત નામ છે આ કવિનું. પણ `અંકિત' શબ્દ પોતે વિશેષણ છે એટલે એને કોઈ વિશેષણોની જરૂર નથી. એ ગઝલના રંગમાં અંકાઈ જાય છે. અંકિતનો એક અર્થ `પ્રસિદ્ધ' છે. એ સ્વયંપ્રકાશે ઝળહળે છે એમ કહી શકાય. એમને કોઈના ઉછી-ઉધારા કરવા નથી પડતા. પૂર્વસૂરિઓને પચાવ્યા છે અને માથે ચડાવ્યા છે, પણ પગલે પગલે પગલાં પાડ્યાં નથી. અંકિત પરંપરાનો દ્રોહ કર્યા વગર ગઝલની ધરતી પર પોતાના નોખાં-અનોખાં પગલાં પાડી રહ્યો છે અને તેથી એ કહે છે કે:
કોઈ બીજાનાં હશે માપી જુઓ,
આપણાં આવાં નથી પગલાં કદી.

    અંકિતની ગઝલો એ કોઈ વાડામાં સીમિત નથી. ગઝલનો રંગ એટલે તગઝ્ઝુલ, ગઝલની છટા અને લહેકો આયાસથી આવે નહીં અને લાવવાનો પ્રયત્ન થાય તો દૂધમાં નમક પડી ગયાનો સ્વાદ આવે. અંકિતની ગઝલમાં સરળ ભાષામાં અનુભૂતિની અભિવ્યક્તિ સાથે સાથે મર્માળુ વેધકતા નિષ્પન્ન થાય છે. જેમ કે,
આપણાથી કશું ન બોલાયું,
એમનું પણ સ્વમાન આંખોમાં.
*
એ નથી હોતા કોઈ આકારમાં,
હોય છે તો હોય છે અણસારમાં.
*
વાત અંદરની તો જાણે છે બધા,
તોય રહેવાનું ગમે છે ભારમાં.

    વિરહની અને વ્યથાની પરાકાષ્ઠામાં પ્રશ્નોની ઝડી વરસે છે પણ એમાં છે ચિત્કાર વગરનો લાવારસ, ગગડાટ વગરની વર્ષા, રોદણાં વગરની બેબાક આંતરવ્યથા અને આ માહોલમાં અંકિત ઝબૂકતી વીજળીએ મોતી પરોવે છે. જેમ કે,
સાંજ કનેથી રંગ ઉછીના લઈને જીવ્યો,
અંધારાની, અજવાળાની બહાર ઊભો છું.
*
ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
*
સુક્કા થયેલ ફૂલ કહે રંગ ક્યાં ગયા?
સાચે જ ખુશબૂઓના અલગ ન્હોર હોય છે.
*
સાથે રહ્યો છું તારી આ એનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.
*
સામે નથી હોતી છતાં દેખાઈ જાય તું,
વહેતી હવાને એવું શું સમજાઈ જાય તું!

     અંકિત ખૂબ જ સહેલાઈથી અમૂર્તને મૂર્ત કરે છે અને મૂર્તને મૂર્તિમંત કરે છે.
    `ચાલે છે' રદીફ પર આપણા ઘણા શાયરોએ કામ કયું છે. મનહર મોદીનું સ્મરણ થાય છે. આ રદીફ લઈને એમણે કહેલો શેર અને મનહરના શબ્દસ્થ થયા પછી અંકિતે કહેલો શેર અડખેપડખે મૂકીને ગુજરાતી ગઝલની ગઈ કાલ અને આજને જાણવી જરૂરી છે:
બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,
બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે.

    મનહરનો આગ્રહ નથી. એ કહે છે કે, `બને તો એમને કહેજો'. કવિ ક્યારેય આગ્રહ કરે નહીં. અંકિત પ્રશ્ન પૂછે છે કે પણ હવે ખુશબો મ્યાનમાં રાખવાનું કહેવું કોને?
હવે કોને જઈ કહેવું કે ખુશબો મ્યાનમાં રાખે?
બગીચો સાવ સુક્કો છે ને સુક્કી ઘાત ચાલે છે.

    પીડા, દર્દ, વિષાદ કે આપદાઓ એ જીવનની વાસ્તવિકતા છે અને કોઈ પણ કાવ્યતત્ત્વનો મણિમંત્ર છે પણ સારો કવિ આ વ્યથાને બોલકી બનાવ્યા વગર પીડાનું ટહુકામાં રૂપાંતર કરે છે:
ઊડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.
*
ભીંતનાં આંસુ અરીસો થઈ ગયાં છે,
એ જગાને રોજ થોડી ખોતરીશું.

     ગઝલમાં ધ્વનિને અનુકૂળ શબ્દયોજના અને સુંદર અર્થને પગલે પગલે યોગ્ય પ્રતીકો યોજાય તો ગઝલના અરૂઝની જાણકારીનો ખ્યાલ આવી શકે.
ઘણી વાર ક્યાં થાય છે કૈં થવામાં,
સમય સ્થિર રહે છે જવા-આવવામાં.
*
ઉદાસી નહિતર તો એને ન લાગે,
તમારા નિ:સાસા ભળ્યા છે હવામાં.

    ગુજરાતી ગઝલ અત્યારે એના મધ્યાહ્નકાળે છે. સૂર્યનો રથ અને તેના સપ્તરંગી અશ્વો મધ્ય આકાશ સુધી પહોંચી ગયા છે પણ લાગે છે કે ઘોડા હાંફી ગયા છે. ટૂટનનો ભાવ મહેસૂસ કરે છે. ધરતીની સોડમનો અહેસાસ આવતો નથી ત્યારે અંકિત ત્રિવેદી જેવા નવોદિત અશ્વો ગઝલના આ રથને ક્ષિતિજ સુધી લઈ જશે એવી આશા અસ્થાને નથી.
– રમેશ પુરોહિત


0 comments


Leave comment