7 - સ્વાગત છે તમારું... / ગઝલપૂર્વક... / અંકિત ત્રિવેદી


    કશુંક એવું છે જે મને લખાવ્યા કરે છે. વેદ, ઉપનિષદ, ઋચાઓ આટલું બધું લખાઈ ગયા પછી પણ લખાવડાવે છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, કબીરે લખ્યું છે, છતાં લખાવે છે. મારે શું કામ લખવું જોઈએ? દરેક સ્વરૂપમાં કલમને અજમાવું છું, જમાવું છું. સંપાદનો કરી રહ્યો છું, સંચાલક તરીકે તો તમારી નજીક રહ્યો છું, પણ કવિતા લખવાનો આનંદ અનેરો છે. સંપાદન અને સંચાલન એ તો કવિતાની ભૂમિને ફળદ્રુપ કરવા માટે કરું છું. કવિતાને કારણે ઓળખાવવાનું વધારે ગમે જ. એ માધ્યમથી મારું એકાંત મુખર નથી થતું, વધુ શાંત-પ્રશાંત બને છે. પછી કોઈના આધાર કે અવલંબનની જરૂર નથી પડતી. બ્રહ્માંડના અલૌકિક નાદને આહ્લાદી શકું છું.

     ગીતનો લય હૃદયમાં ગુંજે છે. ગઝલ મને ઘૂંટે છે. આજે `ગઝલપૂર્વક' તમને સોંપી રહ્યો છું. ભવિષ્યમાં `ગીતપૂર્વક' લઈને આવીશ. મારી સંચાલક તરીકેની કારકિર્દીને કારણે કેટલાકને મારી કવિ તરીકેની પ્રતિભાની ચિંતા થાય તે સ્વાભાવિક છે. પરંતુ `ગઝલ' અને `સંચાલન' જુદી જ બાબતો છે. અત્યારે લખાતી ધોધમાર ગઝલોની વચ્ચે `સુક્કા ભેગું લીલું'ને પણ બળવાનો વારો આવે – એવું વાતાવરણ છે છતાંય ગઝલ લખવાનું મન થાય છે.

     મારે જે કહેવું છે તે ગઝલમાં કહી ચૂક્યો છું. ગઝલની વાત ગદ્યમાં કરવી પડે એના કરતાં મારા મૌનને ગઝલને હવાલે કરું છું અને ગઝલ તમારી હથેળીઓને સોંપું છું. ગુજરાતીમાં ગઝલો લખવાનો આનંદ કાગળનાં પાનાં પર ઊજવી રહ્યો છું. માતૃભાષાનો ઋણી છું.

     અસ્તિત્વની સાથે ચડભડ કર્યા વગર મારી જાતને વહેતી રાખી છે. મારે માટે ગઝલ એ સામેથી આવતા ધસમસતા પૂરનો સામનો કરવાનું તરણું છે. મારા શ્વાસનું ઉપરણું છે. મિત્રોએ મારા પર મૂકેલો વિશ્વાસ છે. ઈશ્વરના `હોવાનું' આશ્વાસન છે. નાનો હતો ત્યારથી બાળપણને શોધી રહ્યો છું. શોધ આજે પણ ચાલુ જ છે:
જે રીતે આપે મને મોટો કર્યો,
એ રીતે ક્યારેક તો નાનો કરો.

    મને નજીકથી અને દૂર રહ્યે રહ્યે પ્રેમ કરનારા સૌને આ ક્ષણે સ્મરું છું. આ પુસ્તક સાથે સંકળાયેલાં જયેશ શાહ, કુસુમ શાહ, રાજેશ ભગત, રેણુકા ભગતનો આભારી છું. આ પુસ્તક પ્રિય મિત્રોને અર્પણ કરતાં હર્ષ અનુભવું છું.

    અને હા, આદરણીય સુરેશ દલાલ માટે શું લખું? અમારી દોસ્તી વય અને સમય બંનેને પસાર કરી ગઈ છે. એમને દંડવત્.
તારે લીધે દેખાઉં છું હું મારી આંખમાં,
દર્પણમાં નહીં તો હું વળી ક્યારે પ્રગટ હતો!

    આ પુસ્તકનો આનંદ એમના હૈયે મારા કરતાં પણ વધારે હશે. મારા સમકાલીન મિત્રોને સલામ... પૂર્વસૂરિઓને પ્રણામ...

    આપ સૌને ઇજન છે. . .
    `ગઝલપૂર્વક'માં ભાવપૂર્વક ભીંજાવવાનું. . .
– અંકિત ત્રિવેદી
705, સાંઈસંનિધી
જી. બી. શાહ કોલેજ સામે વાસણા, અમદાવાદ-380 007


0 comments


Leave comment