31 - એકબીજાની હથેળી પર ઊગેલી / અંકિત ત્રિવેદી


એકબીજાની હથેળી પર ઊગેલી,
સાંજને દરિયાકિનારે જઈ ઉકેલી.

વાયરા પણ એમ કઈ વ્હેતા થયા'તા,
વાત રોમેરોમ જાણે વિસ્તરેલી!

આંખમાં આંખો પરોવી એટલામાં,
સૌ ક્ષિતિજો સૂર્ય ઓગાળી ચૂકેલી.

શંખ, છીપલાંમાં રમે છે એ ક્ષણો જે,
રેતશીશીમાં સરકતા રહી ગયેલી.

સાવ પાસે બેસવાનો ફાયદો છે,
કાનમાં પણ વાત ના કહેવી પડેલી.

પાણી ઓછું, શાંત મોજાં, તોય ભરતી!
ઓટને નેપથ્યમાં કોણે મૂકેલી?


0 comments


Leave comment