34 - તું કહે છે જાત પગલું ક્યાં ચૂકી? / અંકિત ત્રિવેદી


તું કહે છે જાત પગલું ક્યાં ચૂકી?
હું કહું છું આયના આગળ ઝૂકી.

તું કહે છે શ્વાસને સમજાવી જો,
હું કહું છું આંખ સામે લાવી જો!

તું કહે છે હાથનો બસ મેલ છે,
હું કહું છું રેખાઓ સામેલ છે.

તું કહે છે રંગ ઉડાડ્યો હશે,
હું કહું છું ખાલી દેખાડ્યો હશે.

તું કહે છે આમ અત્યારે નહીં,
હું કહું છું દર્દ પરવારે નહીં.

તું કહે છે કૈંક તો દૂરી કરો,
હું કહું છું આ ગઝલ પૂરી કરો.


0 comments


Leave comment