39 - ક્યાં કશું છે સમાન આંખોમાં / અંકિત ત્રિવેદી


ક્યાં કશું છે સમાન આંખોમાં,
છે ભુલાયેલ ભાન આંખોમાં.

દૃશ્યની જો ઘરાકી જામી છે,
હોય જાણે દુકાન આંખોમાં.

ચોતરફ જોઈને મૂંઝાઉં છું,
કોનું છે વૃંદગાન આંખોમાં.

સાવ પાસે અડીને ઊગેલો,
ઊઘડે વર્તમાન આંખોમાં.

આપણાથી કશું ન બોલાયું,
એમનું પણ સ્વમાન આંખોમાં.

તુંય આવી ઊડી શકે છે અહીં,
લે, ધર્યું આસમાન આંખોમાં!


0 comments


Leave comment