40 - આંખથી જોઈ શકો પડઘા કદી / અંકિત ત્રિવેદી


આંખથી જોઈ શકો પડઘા કદી,
રંગ પણ બદલી શકે તડકા કદી.

ફક્ત એ ખાબોચિયા જેવા હશે,
ઝાંઝવાંના હોય નહિ દરિયા કદી.

આમ એને પણ હશે મારી જરૂર,
આમ ના શોધે મને સપનાં કદી.

એકલા તો ક્યાં સુધી ચાલ્યા કરે?
પગની પાછળ નીકળ્યા રસ્તા કદી.

કોઈ બીજાનાં હશે માપી જુઓ,
આપણાં આવાં નથી પગલાં કદી.


0 comments


Leave comment