42 - અહીંયાં ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે / અંકિત ત્રિવેદી


અહીંયાં ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે,
એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.

આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો,
સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે.

બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું?
જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે.

મારા વિના હું એકલો ટોળે વળી ગયો,
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.

અટકી ગયેલી વાત ના આગળ વધી શકી,
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે?


0 comments


Leave comment