31 - આખે આખું જીવતર અગડમબગડમ / દિનેશ કાનાણી
આખે આખું જીવતર અગડમબગડમ,
મળશે ક્યાંથી વળતર અગડમબગડમ.
સપનાં, ઈચ્છા, કાલાવાલા કંકર;
મૃગજળ મોટી કળતર અગડમબગડમ.
શબ્દો સાચા કલ્પન સાચા ખળખળ,
બાકી સઘળું નડતર અગડમબગડમ.
પંખી, ઝરણાં, કલરવ, ટહુકા સંગે,
થાય નહીં કૈં ભણતર અગડમબગડમ.
કારણ સાવે ખોટા લઈને મબલક,
માણસ જીવે બદતર અગડમબગડમ.
કાલીઘેલી આંટીઘૂંટી લઈને,
કર મા મારું ચણતર અગડમબગડમ.
ફૂરસદના ફોટાઓ લઈ જાવું ક્યાં ?
સંબંધો છે પડતર અગડમબગડમ.
0 comments
Leave comment