70 - દિન ઢળે છે તને ખબર ક્યાં છે / મનોજ ખંડેરિયા


દિન ઢળે છે તને ખબર ક્યાં છે
રથ ગળે છે તને ખબર ક્યાં છે

બારની તડથી આવી તારામાં –
કૈં ભળે છે તને ખબર ક્યાં છે

તારો પડછાયો શોધ મા, એ તો –
પગ તળે છે તને ખબર ક્યાં છે

જોઈ ઊંચું ન આમ ચાલ્યા કર !
પથ વળે છે તને ખબર ક્યાં છે

આગ ઠારીશ ક્યાં, બધી બાજુ –
જળ બળે છે તને ખબર ક્યાં છે.

બારણું ખોલી જો જરા નળિયે !
નભ લળે છે તને ખબર ક્યાં છે

શ્રાવણી સાંજના રખડવામાં –
શું મળે છે તને ખબર ક્યાં છે


0 comments


Leave comment