49 - તું ફરી શૈશવ સમું બોલાવ ‘મા’ / દિનેશ કાનાણી
તું ફરી શૈશવ સમું બોલાવ ‘મા’,
એ જ હાલરડાં ફરી સંભળાવ ‘મા’.
રોજની ઘટના બધી પજવે મને,
થાક એનો સાંજના ઉતરાવ ‘મા’.
જે દિશામાં કર્મ મારા ઓળખાય,
એ દિશામાં તું મને દોડાવ ‘મા’.
હું જ સાચો હું જ સાચો હું જ સા...
આ ખયાલો એકદમ અટકાવ ‘મા’.
રોજ એની એ જ આપે છે મને,
તું શિખામણ એક-બે બદલાવ ‘મા’.
હું બધાના દર્દને સમજી શકું,
આંખ મારી એટલી છલકાવ ‘મા’.
કૈંક ખૂટે છે ખરેખર જીવમાં,
તું મને પહેલા સમું હરખાવ મા’ !
0 comments
Leave comment