18 - પ્રકરણ – ૧૮ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


    વળી રોમા સંઘવી ઊઠીને તેની પાસે આવી, વળી કશીક સમસ્યા, ફરીથી તેની આંખોમાં વફાદારી ઊમટવી, નીલકંઠને હસવું આવી ગયું લગભગ. અને તેને પ્રયત્નપૂર્વક ખાળી તેણે એકના એક શબ્દો સંભળાવ્યા : ‘ડુ એઝ યુ લાઈક’ અને પુન: રોમાં કૃત્રિમ સ્મિત સજાવીને ચાલી ગઈ. આખા દિવસમાં હજી તો બીજી ત્રણેક વાર આ રીતે અહીં આવશે, સમસ્યા રજૂ કરશે અને પોતે તેને નિયત પ્રત્યુત્તર આપી દૂર કરવાનો પ્રયત્ન કરશે, પણ સાંજે સાડા ચાર થતાં જ રોમાં સંઘવીની બધી વફાદારી ઓગળવા માંડશે, ટેબલ પર જ તે પર્સમાંથી પાવડરનું બોક્સ અને એમાંનો અરીસો ઉઘાડી ચહેરો સજાવી લેશે, બરાબર પાંચ વાગ્યે તેનો ફોન આવશે અને તે તરત પાસે જશે. ટૂંકાં અસ્પષ્ટ વાક્યો બોલશે, એના હોઠ પર પેલા કૃત્રિમ સ્મિતને સ્થાને સ્વાભાવિક ભાવરેખાઓ અંકાતી-ભૂંસાતી-અંકાતી રહેશે. ફોન લંબાતો જશે – ઓફિસનું ધ્યાન એ તરફ કેન્દ્રિત થાય એટલી હદે, અને છેવટે રોમાના ચહેરા પર નિરાશા વર્તાશે, તે મુશ્કેલીથી ફોન મૂકી દેશે અને મંદ પગલે ટેબલ પર આવી બેસી જશે, અનિમેષ આંખે ઘડિયાળમાં પોણા છ ક્યારે થાય તેની રાહ જોશે, કાંટો અપેક્ષિત સીમાએ પહોંચતા જ તેના નિશ્ચેત જેવા અસ્તિત્વમાં સ્ફૂર્તિ આવશે અને તે ક્ષણાર્ધમાં ઊભી થઈ, ઓફિસમાંથી નીકળી સીધી ફિરોઝ નિકમને મળવા ચર્ચગેટ પાસેના પેલાં રેસ્ટોરાંમાં –
   
    હા, નીલકંઠ એ જાણતો હતો. કુતૂહલ જ્યારે વધી પડ્યું ત્યારે ઝનૂને ચડીને અને બધી સભ્યતાને ફંગોળી દઈને નીલકંઠે એક દિવસ રોમાનો પીછો પકડ્યો હતો. પોણા છએ તે તેની સાથે જ ઓફિસમાંથી ઊતરી પડ્યો. લિફ્ટમાં એની સાથે થયો, પછી થોડુંક અંતર રાખીને એની પાછળ પાછળ ગયો, પેલાં રેસ્ટોરાંમાં એ ન જોઈ શકે એમ બેઠો, ટૂંકી દાઢીવાળો એક પુરુષ રોમાની રાહ જોતો હતો. હસીને એણે હાથ લંબાવ્યો, રોમાએ હાથ આપ્યો. બંને એક ખૂણામાં બેઠાં. પુરુષે પાઈપ સળગાવી, રોમાએ પર્સ ખીલીને એને નવી પાઈપની ભેટ આપી, કૉફી અને સેન્ડવીચીઝ આવ્યાં. થોડીવાર બંને બહાર નીકળ્યાં, નીલકંઠ એમની પાછળ, ‘ગુડબાય ફિરોઝ !’ રોમાએ પુરુષનો હાથ દબાવતાં કહ્યું, ‘ગુડ બાય હની !’ પુરુષે જવાબ આપ્યો, અને પાઈપમાંથી ધુમાડો કાઢતો તે ગિર્દીમાં અદૃશ્ય થઈ ગયો. રોમા એ તરફ જોતી ઊભી રહી. થોડેક પાછળ ઊભેલા નીલકંઠને મજાક કરવાનું મન થયું. તે રોમાની પાસે ગયો અને મોટેથી બોલ્યો : ‘હલો મિસિસ સંઘવી !’ રોમા ખૂબ ચમકી ગઈ. એની ચમક શમે તે પહેલાં નીલકંઠે પૂછ્યું : ‘કોણ હતા આ મિસ્ટર ફિરોઝ ?’ અને ઉમેર્યું : ‘તમે એમને સરસ પાઈપ ભેટ આપી હોં !’ અને રોમાના ચહેરા પર, આંખોમાં, કદાચ એના આખા અસ્તિત્વમાં છટપટાહટ ઊભરાઈ આવી. એ જોવામાં નીલકંઠને જે આનંદ આવ્યો એથી એને પોતાને જ પ્રશ્ન થયો : હું સેડિસ્ટ તો નથી થતો જતો ? રોમા શબ્દોની શોધમાં ખૂંચી ગઈ હતી : ‘ઓહો ફિરોઝ... ફિરોઝ... હા... હિ ઈઝ માય રિલેટિવ... નો ફ્રેન્ડ...’ એને શબ્દો શોધતી રહેવા દઈને નીલકંઠે બીજો પ્રશ્ન પૂછ્યો : ‘શું કરે છે આપણા સંઘવીશેઠ ?’ અને ફરીથી રોમાની મૂંઝવણ : ‘મજામાં... સરસ...’ અને તરત નીલકંઠની નજીક ખસતાં : ‘અચ્છા મિ. પુરોહિત, આપણે સાથે એકાદ પિક્ચરમાં જઈશું ? તમને કંપની આપતાં મને આનંદ થશે,’ અને નીલકંઠ સહેજ ધ્રૂજી ગયો. મજાક કરતાં આ પરિસ્થિતિ – તેણે તરત કહ્યું, ‘નો, થેંક યૂ. મારે ઘેર પહોંચવું છે.’ પણ રોમાનો આગ્રહ ઘેરો બન્યો : ‘પ્લીઝ... ચાલોને... મજા આવશે.’ અને પછી ચહેરા પર પેલું સુપરિચિત સ્મિત વિસ્તારીને ઉમેર્યું : ‘મારી પ્રપોઝલ ઠુકરાવશો – મારી ? ‘હા, કારણ કે હું ફિરોઝ નથી,’ એ શબ્દો નીલકંઠના હોઠો પર આવીને રોકાઈ ગયા. તેણે માત્ર એટલું જ કહ્યું : ‘સોરી... અત્યારે મને સમય નથી... ફરી ક્યારેક...’ ‘ચોક્કસ ?’ રોમાએ પૂછ્યું. ‘હા’ નીલકંઠે ઉદગાર કાઢ્યો. ‘વચન આપો,’ કહી રોમાએ હાથ લંબાવ્યો. નીલકંઠ એ હાથ તરફ પળભર જોઈ રહ્યો, પછી તેણે પોતાનો હાથ આગળ કરતાં ઉમેર્યું : ‘ભવિષ્યમાં હું તમને ક્યારેક વચન આપવાનો પ્રયત્ન કરીશ એવું આજે વચન આપું છું.’ એ સાંભળી તેણે કશીક વિરલ રમૂજ કરી હોય એમ રોમા સંઘવી ખડખડાટ હસી પડી. નીલકંઠ એના હાથમાંથી હાથ છોડાવીને ‘બાય !’ બોલતો ચાલવા માંડ્યો ત્યારે ય રોમા ત્યાં ઊભી ઊભી હસતી હતી.... એ પછી જયારે જ્યારે ઓફિસમાં રોમા સંઘવી આંખોમાં સિન્સિયારિટી ચમકાવીને કોઈક સમસ્યા સાથે તેની પાસે આવતી ત્યારે ત્યારે – ‘ડુ એઝ યૂ લાઈક...’

    પણ તે સાંજે તો નીલકંઠને ક્યારે ઘેર જાઉં અને ક્યારે આ ગમ્મતની વાત નીરાને કહું એની જ ઉત્સુકતા હતી. તે ઘેર પહોંચ્યો ત્યારે રૂમને તાળું હતું. ડુપ્લીકેટ ચાવી વડે તેણે રૂમ ઉઘાડ્યો. બૂટ-મોજાં કાઢ્યાં, બાથરૂમમાં જઈ મોઢું ધોઈ ફ્રેશ થયો. નીરા ક્યાં ગઈ હશે ? એવો સવાલ તેને થયો ત્યાં જ દાદર પર પગલાં સંભળાયાં. નીરા હોવી જોઈએ, એણે માન્યું. નીરા જ હતી. તેને જોતાં જ તે બોલી ઊઠ્યો : ‘તું આજે વહેલો આવી ગયો, નીલ ?’ નીલકંઠે કાંડા-ધડિયાળમાં જોઈને કહ્યું : ‘ના કદાચ દસેક મિનિટ મોડો,’ પછી પૂછ્યું : ‘તું ક્યાં ગઈ હતી ?’ નીરના ચહેરા પર કશીક છાયા આવીને ક્ષણભરમાં ચાલી ગઈ કે શું, એમ કેમ લાગ્યું ? ‘હું... હું મારી પેલી ફ્રેન્ડ ફ્રેની કાપડિયાને મળવા –‘ તેને અધ-વચ્ચેથી બોલતી અટકાવીને નીલકંઠે કહ્યું : ‘અરે, આજે તો બહુ મજા આવી.’ અને તેણે લગભગ એકીશ્વાસે, તારસ્વરે, રોમા સંઘવી સાથેના અનુભવનું આદિથી અંત સુધી બયાન કર્યું. વાત પૂરી થતાં જ તેણે પૂછ્યું : ‘બોલ, નીરા, કેવી ગમ્મત થઈ ?...’ પછી સ્વગતની જેમ : ‘મારી બેટી મિસિસ રોમા સંઘવી – ઓફિસમાં આખો દિવસ બધાંને સિન્સિયારિટીનો ઉપદેશ –‘ પણ એના શબ્દો અધૂરા રહી ગયા. નીરાએ એને હાથ વડે ઈશારો કરતાં કહ્યું, ‘હું ખૂબ થાકી ગઈ છું. આ વાત બંધ કરને, નીલ.... !’
(ક્રમશ:....)


0 comments


Leave comment