24 - સતત ડ્હોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા / મનોજ ખંડેરિયા


સતત ડ્હોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા
બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા

બીડેલાં દ્વાર વરસોથી નથી થઈ ખોલવા ઇચ્છા,
નહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા

અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,
કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા એ સ્થળ સુધી પ્હોંચ્યા

તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી-
પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા

વટાવી મનની મૂંઝારી ને ગૂંગળામણની સીમાઓ,
ખબર શું કોઈને કઈ રીતે કાગળ સુધી પ્હોંચ્યા.


0 comments


Leave comment