1 - જે ગણો તે / નિવેદન / બાવળ વાવનાર અને બીજીવાર્તાઓ / જનક ત્રિવેદી


    રચનાકારને પોતાની રચનાઓ વિશે અભિપ્રાય આપવાનો અધિકાર હોતો નથી. એમ –
    ગામ છોડીને ભાગી જવાની સલાહ ગણકાર્યા વિના જેમણે મરકીની મહામારીમાં પોરો ખાધા વિના ચારચાર દિવસ અને રાત મરેલા ગામલોકના અંતિમ સંસ્કાર કરવાની જીદમાં પોતાનાં જીવનની આહૂતિ આપવાની ‘મૂર્ખાઈ’ કરી હતી તે મારા દાદા જીવણલાલ ત્રિવેદી –

    અને
    ફાટેલાં-સાંધેલાં ધોતિયાં-ઝભ્ભા પહેરવાનું મુનાસિબ સમજી જિંદગીભર જેમણે પુસ્તકો ખરીદીને વાંચ્યાં હતાં તે મારા સ્મૃતિશેષ પિતા નંદલાલ ત્રિવેદી –

    અને
    મને વાર્તારસની અદ્દભુત ગળથૂથી પાનાર, ખુમારીપૂર્વક જીવી ગયેલાં મારાં સ્મૃતિશેષ ફઈબા તથા દુઃખમય જીવનમાંય રાતના અંધકારમાં હાસ્યરસની વાર્તાઓ કરી અમને હસાવનાર સ્વર્ગસ્થ દુઃખિયારી કાકી –

    અને
    મારી વાર્તાઓ જેણે ‘સાધારણ’નોય દરજ્જો નથી આપ્યો અને ‘મામા, સાહિત્ય પદારથ શું ચીજ છે તેનો ખ્યાલ હજુ તમને આવવો બાકી છે’ એવું કહેનાર મારી વાર્તાઓનો કડક આલોચક સુહ્રદય મિત્ર મનોજ રાવલ –

    અને
    આ સૈકાના સમર્થ ગુજરાતી તંત્રી-સંપાદક સ્વર્ગસ્થ શ્રી બચુભાઈ રાવત –

    અને
    જેમણે મારી વાર્તાઓ ખરેખર દિલથી વાંચી છે, ને સમજવાની પ્રામાણિક કોશિશ કરી છે, ને જેમને ધૃણાપૂર્વક ‘ક્લાસ ફોર્થ’ કહેવામાં આવે છે એવા રેલવેના મારા ગરીબ, અભણ તથા ભોળા દિલદાર બિરાદરો –

    અને
    આ યજ્ઞના યજમાનપદનું નિમિત્ત બનનાર ગુજરાત સાહિત્ય અકાદમીના સંવાહકશ્રીઓ તથા ઋત્વિજ હોતાઓ –
    શ્રી હસુભાઈ યાજ્ઞિક, શ્રી કિરીટ દૂધાત, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી રમેશ પારેખ, શ્રી હર્ષદ ત્રિવેદી

    અને
    કોઈ પરિચય – મોંમેળાપ વિના સ્નેહ આપનાર આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત છાયાકાર શ્રી અશ્વિન મહેતા

    અને
    મને નિભાવી લેનાર અને નિર્વ્યજ લાગણી અને પ્રેમ આપનાર મિત્રો- શ્રી સુરેશ લાખાણી, શ્રી શિવજી રૂખડા, શ્રી સુલતાન લોખંડવાલા સહિત મેઘાણી સાહિત્ય વર્તુળ – બગસરાના મિત્રો તથા શ્રી રમેશ ફુલેત્રા, શ્રી નારણ ભાલોડિયા, શ્રી મોતીભાઈ પટેલ, વાર્તાકાર મિત્રો –શ્રી નાનાભાઈ જેબલિયા, શ્રી જોસેફ મેકવાન ,શ્રી રજનીકુમાર પંડ્યા, શ્રી અશોકપૂરી ગોસ્વામી, શ્રી મનોહર ત્રિવેદી, ભાઈ મહેશ ત્રિવેદી તથા શ્રી ગોરધન ભેસાણિયા

    અને
    મારી નસેનસમાં લોહી રૂપ વહેતી મારી નદી બૂડણપરી અને મારામાં માંસ-મજ્જારૂપે વ્યાપ્ત મારા ગામ કોઠીનો ચોરો, પાદર, જસદણનો ગાડા મારગ, સીમનાં ઝાડવાં, ગ્રામ્ય દેવતાનું મંદિર, નામશેષ બાવળની વીડી અને હોથલ-પદમણીનાં ભોંયરાં અને... અને... અરે, કેટકેટલું સંભારવા બેસું એ બધું –

    અને
    જે હાથ બચપણમાં મારા પર બેબસ ઊઠ્યા હતા એ જ હાથ વહાલથી મારા માથે છેલ્લા શ્વાસ સુધી ફરતા રહ્યા – એ નિરક્ષર, અબૂઝ અને ગ્રામિણ એવી મારી વહાલી માના કંપતા હાથનો અંતિમ સ્પર્શ મારા માટે – ‘અબ ઐસી બિરછ છાંવ કહાં’ – બની રહ્યો છે.

    અને
    મારી વાર્તાઓના સહૃદય સમીક્ષક મારા પુત્રો વાર્તાકાર ચિરંજીવી શ્રી ધર્મેન્દ્ર ત્રિવેદી અને ચિરંજીવી સૌમિત્ર ત્રિવેદી –

    - સમક્ષ બેસતા ગ્રીષ્મે આમ્રમંજરીઓથી લચી પડેલા આંબાની જેમ મારું મસ્તક નમી પડે છે. આ સૌએ સરખે હિસ્સે એક વાર્તાકાર ઘડ્યો છે.
- જનક ત્રિવેદી
૫ એપ્રિલ, ૧૯૯૫
“યાત્રા”
એફ-૩૬, હા. બો સોસાયટી,
અમરેલી-૩૬૫૬૦૧


0 comments


Leave comment