1 - ઓગાન / જનક ત્રિવેદી


    ક્ષિતિજેથી આવતાં મોજાંઓ તુટતાં-રચાતાં આવતાં હતાં. કિનારે આવી રેતાંળ પટમાં સૂર્યતેજ પથારી કિનારે આવી પહોંચેલા બીજાં મોજાંમાં ભળી જતાં હતાં. ખડક સાથે અફડાતાં ત્યારે મેઘરવો રચાઈ જતો. લય-વિલયની પ્રક્રિયા અવિરત ચાલી રહી હતી. રેતીના પટમાં ઊગી આવેલા બે ખડક એકબીજાથી થોડા અંતરે પથરાયેલા હતાં. એક માણસ સૂર્ય અને મોજાંઓ જેટલો નિયમિત ખડક ઉપર બેસતો અને આવતાં-જતાં મોજાં અને ક્ષિતિજે ઢળતા જતા સૂર્યને જોતો રહેતો. ખડક સાથે અફળાતાં ભરતીનાં મોજાંની વાછટથી એ ભીંજાઈ જતો એની દરકાર એ કરતો નહિ. ચોમાસામાં છત્રી લાવતો, પરંતુ વરસાદમાં પણ એ ભીંજાતો રહેતો. વરસાદમાં નહાવાની કંઇ એની ઉંમર નહોતી. એ ભાગ્યે જ હલનચલન કરતો. વસ્તીથી ઘણે દૂર આ નિર્જન સમુદ્રતટે પ્રથમવાર મેં એને આ જ મુદ્રામાં ખડક પર બેઠેલો જોયો હતો. મને પણ એકાંત ટાપુ જેવો કિનારો ગમી ગયેલો. મેં બીજા ખડક પર બેસવાનું શરૂ કરેલું. એને વર્ષો વીતી ગયાં, પરંતુ આવતાં કે જતાં ક્યારેય જોયો નથી.

    હજી પણ, ખડક પર ખડકના એક હિસ્સાની જેમ એ બેસે છે. હજી પણ, હવાથી ઉડતા વાળ અથવા રેશમી ઝભ્ભાની સતત ઊડતી ચાળ સરખી કરવાની દરકાર કરતો નથી. હજી પણ, મોજાંની વાછટથી ભીના થયેલા વાળમાંથી ટપકતાં-રેલાતાં પાણીને લૂછતો નથી. હજી પણ, ચિત્રકાર સામે બેઠેલા મોડલની જેમ એ અચલ બેઠો રહે છે અને મોજાંઓનું આવાગમન અને સૂર્યાસ્તો જોતો રહે છે. આટલા વરસમાં એણે એક પણ વાર મારા તરફ દૃષ્ટિ કરવાની કોશિશ કરી નથી. મને એના વિશે કંઇ ખબર નથી, સિવાય કે થોડા અનુમાનો. સિત્તેરની આજુબાજુની એની વય જોતાં જવાબદારીઓમાંથી મુક્ત થયેલો માણસ જણાતો હતો. રોજેરોજ બદલાતો એનો પહેરવેશ જોતાં એ કોઈ સમુદ્ર પરિવારનો માણસ દેખાતો હતો.

    આજે પણ આખા કિનારા પર અમે બે જ બેસીએ છીએ. એ મારાથી વહેલો આવીને બેસે છે, અને અંધારું થયે ચાલતો થાઉં ત્યારે પણ એ નિશ્ચલ બેઠેલો રહે છે.

    એક વાર મારી ધીરજ ખૂટી હતી. મારી ઉપસ્થિતિનો અહેસાસ કરાવવા એની અને સૂર્યની વચ્ચે જઈ ઊભો રહ્યો હતો, પણ એ મારી આરપાર સુરજને જોતો રહ્યો હતો.

    વરસો બાદ આજે એની અચલતા તૂટી હતી. સુર્યાસ્ત પછી એ આસ્તેથી ઊઠયો. નિઃશ્વાસ જેવો ઊંડો શ્વાસ લીધો. પછી ખડક પરથી ઊતરીને દરિયા તરફ ચાલ્યો અને મોજાં જ્યાં ફેલાઈ જતાં હતાં ત્યાં ઊભો રહ્યો. પછી રેતીમાં પડેલાં પોતાનાં ભીના પગલાં જોયાં. એક મોજું આવ્યું અને એના પગ અને ધોતિયું ભીનાં કરી ગયું. એણે ફરી પગલાં તરફ જોયું. ઉપરવાસનાં બે પગલા સિવાયનાં બધા પગલાંને મોજું સમથળ કરી ગયું હતું ! બચેલાં બંને પગલાં પાસે જઈ એણે એના પર રેતી વાળી દઈ સમથળ કરી નાખ્યું. પછી હતો ત્યાં જઈ ઊભો રહ્યો. હું એની ક્રિયાઓ જોતો રહ્યો. એ નીચે બેઠો અને રેતીમાં કિનારા તરફ જઈ ધોરિયા જેવું કરવા માંડ્યો. એક મોજું આવ્યું અને એના ધોરિયાને સપાટ કરી ગયું. ફરી એને ધોરિયો કર્યો. ફરી મોજું આવ્યું. ફરી ધોરિયાનું નામોનિશાન ન રહ્યું. ફરી ધોરિયો, ફરી મોજું અને ફરી ફરી સમથળ. ક્રમ અંધારા પછી પણ ચાલુ રહ્યો. હું ચાલતો થયો.
* * *
    એનામાં આવેલું પરિવર્તન રોજિંદુ બન્યું. વાત તો સ્થગિત થવાની જ હતી. એની ક્રિયામાં મને રસ પડે છે, પરંતુ હવે મારી દ્રષ્ટિમાં રમૂજ ભળી છે. એની સાથે વાત કરવાનું મન થાય છે. કયા આધારે એની સાથે વાત કરું? આટલાં વર્ષો સાથે બેઠા છતાં મારી ઉપસ્થિતિ જેને પારદર્શક લાગી છે, અથવા દરિયાઈ હવાથી વિશેષ કશું લાગ્યું નથી, તેની સાથે મારે વાત કઈ રીતે કરવી. જોકે એનામાં થોડા સમયથી ઉદ્ભવેલા પરિવર્તનથી થોડી આશા ટકી રહી છે. કદાચ એ મારી સાથે વાત કરે. મને ‘કદાચ’ પછીની સભવિતતાનો અણસાર આવ્યો હતો. અથવા મેં કલ્પના કરી હતી. એની નવી પ્રવૃત્તિ સાતત્ય સાધી લે તો એની સાથે વાતચીતની શક્યતાના દરવાજા ભિડાઈ જવાનો મને ડર હતો. એ સાચો પડે તે પહેલા એની સાથે સંપર્ક સ્થાપવા પ્રયત્ન કરી લેવો જોઈએ.
* * *
    આથમતા સૂર્યને ભરાય એટલો આંખોમાં ભરી ટેવ મુજબ એને દીર્ઘ શ્વાસ લીધો. પછી રેતીના ભીના પટમાં ધોરિયો ગાળવા લાગ્યો. મોજું આવ્યું. હું એની સામે ઊભો રહ્યો. અમારા પગ અને ધોતિયું ભીનાં થયાં. ધોરિયો સમથળ બની ગયો. એણે મારી નોંધ લીધી નહીં. એણે ફરી રેતીમાં ધોરિયો કરવા માંડ્યો. એનો અર્થ શું, જ્યાં ધોરિયો રહેતો જ નથી. મોજું પહોચે નહીં ત્યાં જ ધોરિયો કરવો જોઈએ.

    આ શું કરો છો? મેં પૂછ્યું.
    એણે તરત મારી સામે જોયું નહીં. બીજા મોજાંની વિદાય પછી મારી સામે જોયું. એની દૃષ્ટિમાં શૂન્ય પથરાયું હતું. મૌનને અકબંધ રાખી એણે નજર ફેરવી લીધી. કપાળ પર ઊડી આવેલા વાળ સરખા કરવાનો અસફળ પ્રયત્ન કર્યો. ફરી એ ધોરિયો અને મોજાંની રમતમાં લીન બની ગયો. કંઇ વજૂદ વગર મારી અકળામણ વધતી રહી.

    અપમાનની તૈયારી સાથે એના ખભા પર મેં હાથ રાખ્યો. મને સ્પર્શમાં વિશ્વાસ છે. મેં પૂછ્યું; આ શું કરી રહ્યા છો ?
    એણે મારી આંખોમાં સીધી વેધક નજર નોંધી રાખતાં સામો સવાલ કર્યો; તમારે જાણવું જરૂરી છે?

    પ્રથમ વાર એનો અવાજ સંભાળવા મળ્યો. જાણે ગુફામાં ઘૂંટાઈને આવતો હોય. સ્વરમાં મૃદુતા, સંસ્કાર અને અવિશ્વાસનો સ્પર્શ હતો. થોડી હૈયાધારણ બંધાણી. કમ સે કમ એ બોલ્યો તો ખરો. એના ધીમા શબ્દોમાં સામેનાને વિવશ બનાવી મૂકે તેવી અપાર શાંતિ અને શક્તિ હતાં.

    હા...... હું લગભગ થોથવાયો. મને બીક હતી, એ ગુસ્સે થશે. છતાં મેં કહ્યું;........... આપણે આટલા વર્ષો સાથે બેઠા છીએ.

    કયાં વર્ષો....?! – એણે પૂછ્યું. વાત ઉડાડવાનો કોઈ ભાવ એની આંખોમાં નહોતો. કરુણની છાંટવાળું આશ્ચર્ય તરવરતું હતું.

    તમને ખબર નથી..... આપણે દસેક વર્ષથી આ કિનારે બેસીએ છીએ...... પેલા ખડક પર તમે..... આ બાજુ હું. મેં જોયું, એનાં ભાવ સંકોચાયેલાં હતાં અને કપાળમાં કરચલીઓ પડી હતી.

    એમ....... !... ખરેખર એટલો બધો સમય....! !.... મને કેમ એનું સ્મરણ નથી ...!!! – કંઈ યાદ આવતું ન હોય તેમ એણે માથું ધુણાવ્યું. પછી મનના કોઈ અગોચર ખૂણા ફંફોળતાં વિચારમાં ડૂબી ગયો. આંગળી અને અંગૂઠાની ચપટી વચ્ચે બંને ભ્રમર – વચ્ચેની ચામડી દબાવી એ ક્યાંક ખોવાઈ ગયો. મારી ઉપસ્થિતિ જ જાણે ભૂલી ગયો. સનસનાટ વહેતી હવામાં અમારી વચ્ચે નિઃશબ્દતાં ઘૂઘવતી રહી. તટ પર ફેલાઈ જતાં મોજાંની સાથે વહી જતી રેતીની સરસરાહત સંભળાતી હતી. ધસમસતાં આવતાં બીજાં મોજાંમાં ભળી જતાં પાછાં વળતાં પહેલાં મોજાંનું આક્રંદ સંભળાતું હતું. સૂર્યપ્રકાશમાં ચમકતી રેતી પર એક કરચલો આડું આડું દોડી ગયો. રેતીમાં સંતાયેલાં જીવડાં બહાર નીકળ્યાં. શંખનાં ઘર સાથે એક જીવડાએ પોતાનો પ્રયાસ જારી રાખ્યો. મોજાં સાથે ખેંચાઈ આવેલી એક માછલી તરફડતી હતી. સમુદ્રી ક્ષિતિજ ઉપરના આકાશમાં ક્ષણે ક્ષણે રંગપટો બદલાતા જતા હતા. ઝીણી ધારે વરસી રહેલી ખામોશીમાં એ મને સાવ ભૂલીને ઉભો રહ્યો.

    મારી ધીરજ ખૂટવાની ક્ષણે તીવ્ર બનતી જતી હવામાં ઊડતા સફેદ વાળ એણે સરખા કર્યા. એની ધારદાર દ્રષ્ટિ મારી આંખોમાં ફરતી રહી. મારાં પોપચાં ઢળી પડ્યાં. કદાચ એ માપી રહ્યો હતો.

    બહુ લાંબી વારે એની ચુપકીદી તૂટી. એનો અવાજ સંભાળ્યો; ... જરા નજીક આવશો.

    ભલે વિલંબે, પણ એણે મારો સ્વીકાર કર્યો. પણ થોડા અવિશ્વાસનો સંસ્પર્શ પામેલો. હું નજીક ગયો. એણે જરા વધુ નજીક આવવાનું કહ્યું. મેં તેમ કર્યું. એની તંગ રેખાઓ હળવી થઇ. એણે મારો ચહેરો એના ચહેરા સામે રાખવા વિનંતી કરી. એનો ચહેરો ફોક્સ આઉટ ન થાય એટલો નજીક મારો ચહેરો એની સમક્ષ રાખ્યો; ... બસ....?!

    થેન્ક્સ.... નાવ, પ્લીઝ, મારી આંખોમાં જુઓ..... શું દેખાય છે તમને.
કોઈ ચોક્કસ અપેક્ષા એને હતી, અને એની અપેક્ષા સંતોષાય એવો પ્રત્યુત્તર એ ઈચ્છતો હતો. એણે મારામાં વિશ્વાસ મુક્યો છે. મારે એનાં વિશ્વાસ અને અપેક્ષા સાચાં ઠરે એવો જવાબ આપવાનો છે. એની અપેક્ષાનાં મૂળની મને ખબર નથી. મારે માત્ર અંધારામાં બેંગ કરવાનું છે. મતલબ કે મારી પાસે કલ્પનાઓ સિવાય કંઇ નથી.

    મેં એની આંખમાં જોયું. એટલે કે જોવાનો દેખાવ કર્યો. એના સંતોષ ખાતર એના અવાજની જેમ એની આંખમાં પણ જાદુ હતો. એની પારદર્શક કથ્થાઈ આંખોમાં મેં જોયું. પછી કલ્પનાનો દોર છુટ્ટો મુક્યો. સામે ક્ષિતિજ ઉપર સુરજ એની આંખોમાં પણ ચમક્યો હતો. મેં કહ્યું : આથમતો સૂર્ય.

    બરાબર...બીજું કંઇ...?
    મેં કલ્પના વિસ્તારી. સૂરજ સાથે આકાશની કલ્પના કરી. ... આકાશ. – મેં કહ્યું.
    બસ...!?

    એના અવાજમાં નિરાશાનો પડઘો સંભળાયો. મેં આકાશ તરફ જોયું. સૂરજ અર્ધો ડૂબી ગયો હતો. પંખીઓ માળા ભણી ઊડી રહ્યાં હતાં. મેં કહ્યું; .... પંખી.

    ના... ના.... ના... પંખીની કોઈ વાત જ નથી.... પંખીને તો પાંખો હોય..... ખરું ને....! વધુ કંઇ.....?
    ના.... નાની એવી કીકીમાં કેટલુંક દેખાય.
    ઓહ... થોડું વધુ જો તમે જોઈ શક્યા હોત....!

    નિરાશાનો આઘાત એના મોં પર ફરી વળ્યો. થોડી વાર એ કશું બોલ્યો નહીં. પછી સ્વગત બોલતો હોય તેમ ધીમા સ્વરે બોલ્યો; ... અલબત્ત, કીકી તો કીકી હોય છે... નાની સરખી, પરંતુ એથી આગળ હૃદય પણ છે..... એના દરવાજા કાયમ કીકીની બારી સામે ખુલ્લા હોય છે... મને અપેક્ષા હતી એવી કીકીની જેને ફોક્સ કરતું હોય એક સંવેદનશીલ હૃદય. જેના ધબકારનો ગ્રાફ મારા હૃદયના ધબકાર સાથે મળતો હોય..... એવું હોત તો ઘણું બધું જોઈ શકાતું હોત... ઘણું બધું....! ખેર, તમારો શું દોષ.

    એના સ્વરમાં મારા વિશેની પૂર્વધારણાઓ ભાંગતી વરતાતી હતી. એ હજી પણ બબડતો હતો....! અરે એકાદીયે સંતોષાણી હોત... ! માત્ર એકાદ. એના સ્વરમાં દરિયાઈ ખારાશ ઊભરાઈ પડી. એના એકાંતમાં ખલેલ પાડવા બદલ દુઃખ થયું. એના લાગણીતંત્રના એક છેડાના તંતુઓ મેં ઝંકૃત કર્યા હતાં, ને પછી બીજા છેડેથી કાપી નાખ્યા હતા, અને હું એનું સંગીત સાંભળવા આતુર હતો. એ હજુ બોલતો હતો... દુઃખ એનું નથી.... અપેક્ષાઓ અને ધારણાઓ તૂટવા સર્જાતી હોય છે એટલું સમજવા સુધી પહોંચ્યો છું.... દુઃખ તો એની વજુદનું છે, જે તમે આપી છે.... અને આપનારેય પહેલા.

    પછી એ લાંબી ક્ષણો પર્યન્ત ઉદાસ નજરે આવતાં- જતાં મોજાં જોતો રહ્યો. ફરી હું વીસરાઈ ગયો. અપરાધભાવ મને ડંખતો રહ્યો.

    અચાનક એણે કપાળ પર હળવી ટપલી મારી. પછી હસી પડ્યો; ... અરે ભલા ભગવાન, ભૂલ તો મારી જ હતી.... ને તમારા વિશે મેં કેવું ધારી લીધું.

    એની ક્યાં ભૂલ થઇ હતી તે મને સમજાયું નહીં. એ બોલ્યો; ... આપણે નવેસરથી આમ શરૂ કરીએ.... તમારો કાન જરા મારી આંખ સામે ધરો.

    એના ચિત્તતંત્રમાં અવશ્ય ક્યાંક તિરાડ પડી હતી. ક્યાંકથી એક અંકોડો તુટતો હતો. નહીં તો આવી તાલમેલ વિનાની બાલિશ વાતો કેમ કરે. મેં પ્રારંભ કર્યો હતો, તો સમાપન પણ કરવું જોઈએ. એના ચહેરાની તદ્દન નજીક મારો ચહેરો રાખ્યો. અને મારો કાન બરાબર એની આંખ સામે માંડ્યો.

    હવે જરા ધ્યાન દઈને સાંભળો... મને મારી આંખોમાં શું સંભળાય છે....!
    આંખોમાં અવાજ તો ક્યાંથી સાંભળવાનો. પણ મારે કલ્પના કરવાની હતી, દૃશ્યની નહીં, ધ્વનિની. સૂરજ ડૂબી ગયો. સંધ્યાની રતાશ આભમાં પથરાઈ ગઈ. મોજાંઓ કિનારા તરફ ઘૂઘવતાં આવી રહ્યાં હતાં. બરાબર,.... મોજાંઓ ઘૂઘવતાં આવી રહ્યા હતાં. હું બોલ્યો; ... મોજાંઓનો અવાજ.

    બરાબર... બરાબર, મોજાંઓનો અવાજ સાંભળી શક્યા છો, તો જોઈ પણ શકશો. હવે જરા મારી આંખોમાં જુઓ તો.... શું દેખાય છે તમને....?!

    બાળક જેવા એ માણસ પ્રત્યે અનુકંપા ઊપજી. આશ્વાસનના કેવા કાચા તાંતણે એનું મન લટકી રહ્યું છે.

    ધ્વનિ તરફથી હવે દૃશ્ય તરફ પાછું ફરવાનું હતું. આકાશ, સૂર્ય, મોજાં અને દરિયો. મેં એની આંખોમાં જોવાનો દેખાવ કર્યો. પછી કહ્યું; ... દરિયો.

    એણે ચપટી વગાડી. એના મોં પર રાહત ફરી વળી. એ બોલ્યો; ... હવે બરાબર, મારી તમારા વિશેની ધારણા ખોટી નથી પડી. શરૂઆતમાં જ મેં ખોટી કરી હતી, તો ધારણા તો ખોટી પડે ને....! યોગ્ય માણસ વિશેની યોગ્ય ધારણા ખોટી પડે જ નહીં. મારો વિશ્વાસ કમ સે કમ એક વાર સાચો ઠર્યો.

    પછી ટેવ મુજબ એણે લાંબો શ્વાસ ભરી ધીમેથી છોડ્યો. પછી શાંત ઊભો રહ્યો. એ મનમાં કશુંક ગોઠવી રહ્યો હતો. કદાચ શબ્દો. આસ્તે આસ્તે એની આંખોમાં, એના ચહેરા પર ઉદાસીનતા પ્રસરતી ચાલી. એની આંખો બધું જોતી હતી અને જાણે કશું જ જોતી નહોતી. રાતના અંધકારમાં ફેરવાઈ જતાં સાંજના ઓળાની જેમ ઉદાસીનતા ક્યારે વિષાદમાં ફેરવાઈ ગઈ તેનો ખ્યાલ રહ્યો નહિ.

    વિષાદી અવસ્થામાં એણે મારા હાથ એના હાથમાં લીધા, એના હાથની ઉષ્માનો મને અનુભવ થયો. એણે મનમાં દેરડીઓ ગોઠવી લીધી. એ થોડું રોકાયો. પછી બોલ્યો; ... મારા અંગતને તમે સ્પર્શી ગયાં છો, મિત્ર!... તમે મારી આંખોમાં ઊછળતો દરિયો જોઈ શક્યા છો અને મોજાંઓનું અનવરત રુદન સાંભળી શક્યા છો...., એનો સ્વર આર્દ્ર બન્યો.

    વિષાદનું કોમળ તંતુવાદ્ય હવામાં ઝીણું ઝીણું બજી રહ્યું. એના શબ્દો જળનો પ્રવાસ કરતાં હોઠના કિનારે આવતાં રહ્યા; ... એકેક આંસુ ... એકેક ટીપું... !... એમ એકેક આંસુનાં ટીપાંનો સમુદ્ર ... !!... આંસુના ટીપાંનો એક દરિયો મેં વર્ષોથી મારી આંખના પોપચાઓ વચ્ચે સાચવી રાખ્યો છે. ભૂલેચૂકે એક ટીપું પણ તેમાંથી પડે નહિ તેની કાળજી રાખવામાં મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી છે. હવે એ દરિયાનો ભાર મારા પોપચાં ખમી શકે તેમ નથી. મારે હવે એ દરિયો મારી આંખોમાંથી ઠાલવી નાખવો છે..... ખ્યાલ આવે છે તમને, મિત્ર... હું મારા એ દરિયાને આ દરિયામાં ઠાલવીશ ત્યારે ભેગા થયેલા એ બંને દરિયાને છલકાવાનો કોઈ માર્ગ તો જોઇશે ને... ! ... સમજાય છે, તમને...?!... હું મારી આંખોમાંથી ઠાલવેલા દરિયાને છલકાવા માટે ઓગાન બનાવી રહ્યો છું... ઓગાન...!!


0 comments


Leave comment