2.2 - સુભદ્રાગૌરી ઉર્ફે નર્મદાગૌરી / મારી હકીકત / કવિ નર્મદ


    સુભદ્રાગૌરી (નર્મદાગૌરી પાછળથી કહેવાઈ) સૂરતમાં આમલીરાનની બાજુમાં માકુભાઈ મુન્સફની શેરીમાં રહેતા લાલશંકર દવે (ભારતીય વિદ્યાભવનના ભૂતપૂર્વ નિયામક મહામહોપાધ્યાય જયન્તકૃષ્ણ હ. દવેના પિતામહ)ની પુત્રી હતી. બાળવિધવા હોવાથી તે પિતાને ત્યાં જ રહેતી. તેના પતિ વિશે વિશેષ માહિતી મળતી નથી. પરંતુ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના એક સમયના સંસ્કૃતના શિક્ષક અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર છબીલારામ દોલતરામ દીક્ષિતના તેઓ મામા થતા હતા. નર્મદાગૌરીનું સાસરું સૂરતમાં હવાડિયા ચકલા પર હતું.

    નર્મદાગૌરીના પતિ નર્મદના માસિયાઈ મામા થતા હતા, તે સંબંધે તે નર્મદની મામી પણ ગણાય. તેની સાસુ, નર્મદનાં માસી, નર્મદ ઉપર ખૂબ ભાવ રાખતાં હતાં. નર્મદાના ભાઈઓ પણ નર્મદના નિકટના પરિચયમાં હતા તેથી પણ નર્મદને તેને ત્યાં જવાના પ્રસંગો અવારનવાર બનતા. નર્મદના સુધારા વિશેના તથા પુનર્લગ્ન વિશેના વિચારોથી નર્મદાગૌરી પ્રભાવિત થઈ હતી. તે બને વચ્ચે સ્નેહ બંધાયો હતો, જેને પરિણામે તેમને પુનર્લગ્ન કરવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ હતી.

    નર્મદાગૌરી પડોશમાંના રવિભદ્રના મકાનમાં થઈને કવિને ઘેર પહોંચી ગઈ હતી. કવિએ તેને પોતાના ઘરમાં આશ્રય આપ્યો અને રૂઘનાથપરામાં અઠ્ઠાવાળા ઠાકોરભાઈની વાડીમાં તેમનું લગ્ન થયું હતું. નર્મદાગૌરીના બાપભાઈઓએ કવિ પર કોર્ટમાં અપહરણનો કેસ કર્યો હતો. ભરૂચ, મુંબઈ અને સૂરતના વકીલો નર્મદને પક્ષે હતા અને તે કેસ જીતી ગયો હતો. આ પ્રસંગે અનેક લાવણીઓ રચાઈ હતી. આ પુનર્લગ્ન 1869માં થયું હતું.

    આ પ્રકરણમાં નર્મદને વધુ ઊંચી વીર ભૂમિકાએ મૂકતી અને ડાહીગૌરીને ત્યાગમૂર્તિ તરીકે સ્થાપતી અનેક લોકશ્રૃતિઓ પ્રચારમાં છે.

    નર્મદાને તેની જ જ્ઞાતિના કોઈકે ફસાવી હતી, અને તેને કુવો-હવાડો કરવાની પરિસ્થિતિ આવી હતી. તે નર્મદને મળી. નર્મદે તેની જ જ્ઞાતિના એક જુવાન નામે નરહરિને તેની સાથે લગ્ન કરવા તૈયાર કર્યો. નર્મદાગૌરી તો પિતાને ઘરેથી નીકળી નર્મદના ઘરે નિશ્ચિત દવિસે પહોંચી ગઈ, પરંતુ નરહરિને તેના ભાઈઓએ ઓરડામાં પૂરી રાખ્યો તેથી તે ન આવી શક્યો. નર્મદે પોતાના ગોઠિયાઓ લલિતાશંકર વ્યાસ, ઇંદિરાનંદ પંડયા અને વિજયાશંકર ત્રિવેદીને મોકલ્યા પણ તેઓ ખાલી હાથે પાછા ફર્યા. નર્મદા હવે પિતાને ત્યાં પાછી જઈ શકે તેમ ન હતી. તેને માટે તો તરત લગ્ન અથવા મોત એ બે જ વિકલ્પો હતા. તેથી ડાહીગૌરીએ (તે સમયે તેની ઉંમર માંડ 21-22 ની હશે; નર્મદાગૌરી તેના કરતાં કદાચ એકાદબે વર્ષ મોટી હશે) પતિને આ ધર્મસંકટમાંથી ઉગારવા અને બે જીવની હત્યાનું પાતક ન લાગે ને તે હેતુથી નર્મદને નર્મદાગૌરી સાથે લગ્ન કરવા પ્રોત્સાહિત કર્યો.

    પરંતુ આ લોકશ્રુતિ માટે કોઈ આધાર નથી. બીજાની ફસામણનો ભોગ બનેલી વિધવાના બાળકનો પિતા બનવા જેવું મૂળદાસકર્મ કરવાનું નર્મદની આત્મકેન્દ્રી, અહંભાવી પ્રકૃતિએ સ્વીકાર્યું હશે એમ માનવાનું ભોળપણ નર્મદને સમજનાર કોઈ ન કરે. એવી વિધવાને તે બહુ બહુ તો સવિતાગૌરીની જેમ આશ્રય આપે. પુનર્લગ્ન કરવાનો તેને ઉત્સાહ હતો તો આ પહેલાં સવિતાગૌરીને વિધિસરની પત્ની તરીકે તે સ્વીકારી શક્યો હોત. પરંતુ ત્યાં એવી તાકીદની મજબૂરી ન હતી. નર્મદાગૌરીના વિષયમાં તે હતી માટે જ નર્મદે આ ઘટનાની પૂર્ણ જવાબદારી સ્વીકારી હતી. ડાહીગૌરી વિશેની અપ્રગટ ડાયરી પ્રકાશમાં આવતાં પેલી લોકશ્રુતિઓ નિરાધાર કરે છે.

    નર્મદાગૌરી શરીરે જરા ભારે, જાજરમાન હતી.


0 comments


Leave comment