2.5 - સવિતાગૌરી / મારી હકીકત / કવિ નર્મદ


    સુરતમાં ખપાટિયા ચકલામાં, છબીલાનંદ પંડયાના ભાઈ ભવાનીનંદ સાથે બાળવયમાં લગ્ન. પંદરેક વર્ષની વયે વિધવા થતાં, તે સમયના રિવાજમુજબ કેશવપન કરાવવાનો તેણે મક્કમ ઈન્કાર કર્યો. એથી સાસરાપક્ષે તેને કાઢી મૂકી. ન્યાતબહાર થવાના ભયે તેની માતા ત્રિપુરાગૌરીએ પણ તેને પોતાની સાથે રાખવા નામરજી બતાવી. જ્ઞાતિના સુધારાઓ સામે ઝંુબેશ ઉપાડનાર નર્મદે આ સાહસિક વિધવાને પોતાને ત્યાં, બાજુના ઘરમાં આશ્રય આપ્યો. આ ઘટના 1865માં બની.

   સવિતાગૌરી પદો રચતી. આને કારણે જ નર્મદ સાથે તેમનું હૃદયાનુસંધાન થયું. નર્મદે નાગરસ્ત્રીઓમાં ગવાતાં ગીતોનું સંપાદન કર્યું તેમાં તેનો ફાળો મહત્ત્વનો હતો.

    તેની રચનાઓ `એક સ્ત્રીજન’ના નામથી `વિશ્વજ્યોતિ’ અને `સમાલોચક’ જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં છપાઈ છે.

    તેના ભાઈ છોટાલાલ જાની પાલીતાણાના દેશી રજવાડામાં દીવાન હતાં. નર્મદ સાથેના સંબંધથી સમાજમાં ગવાઈ ગયેલી સવિતાગૌરીને તેમણે પોતાની પાસે બોલાવી લીધી હતી.

    સવિતાગૌરી અને નર્મદના પરિવાર વચ્ચેનો નર્મદસંબંધનો તંતુ ક્યારે ય તૂટયો ન હતો. સવિતાગૌરીના આગ્રહથી છોટાલાલે નર્મદનં ગીરો મુકાયેલું પૈતૃક મકાન ખરીદી લીધું હતું. અને નર્મદનું દેવું તેમાંથી ચુકવાયું હતું. નર્મદના મિત્રોએ કરેલા ટ્રસ્ટમાંથી નર્મદ, ડાહીગૌરી અને નર્મદાગૌરીના સાંવત્સરિક શ્રાદ્ધનો ખર્ચ સવિતાગૌરીને મળતો, અને છોટાલાલને ત્યાં તે વિધિ થતો. તેમના અવસાન પછી પણ વર્ષો સુધી છોટાલાલના પુત્ર ગુણાલાલ અને તેમનાં પત્ની માલવિકાગૌરીએ આ પરંપરા નભાવી હતી.

    સવિતાગૌરી ગૌરવર્ણની, બેઠી દડીની હતી. ઉત્તરવયમાં તે અંધ થઈ ગઈ હતી. પાછલા વર્ષોમાં સાસરાપક્ષ સાથે પણ સુમેળ થયો હતો. સન 1925માં તેનું અવસાન થયું ત્યારે તેના સાસરાપક્ષે ભત્રીજા ચંગુભાઈએ અગ્નિસંસ્કાર કર્યો હતો.

    તેણે રચેલાં પદોમાંથી કેટલાંક પદો તેના ભત્રીજીવહુ જયમુદ્રાબહેન મનહરલાલ ગાતાં હતાં, જેમાંથી કેટલીક પંક્તિતઓ પ્રો. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીએ (છોટાલાલ જાની - દીવાનના જમાઈ)નોંધી હતી, જે આ પ્રમાણે છે:
(1)
આ શો ગજબ કરી આવ્યા, રે કોડીલા કંથ મારા?
સાઠ વરસે કુમારી વરી લાવ્યા, રે કોડીલા કંથ મારા!
હું તો ભડકે બળું છું નરકે, રે કોડીલા કંથ મારા!
લોક દીકરીની દીકરી પરખે, રે કોડીલા કંથ મારા!
બાળકડીથી બાળકની શી આશ, કે કોડીલા કંથ મારા!
ઉછરેલાં બાળ પામે નાશ, કે કોડીલા કંથ મારા !
(2)
મૃગ મારીને રે પંચવટીમાં આવ્યા રામ,
દીસે સીતા વિના સૂનું ધામ.
`સીતા’ `સીતા’ પોકાર ત્યાં કીધો રે,
નવ ઉત્તર કોઈએ દીધો રે,
આસપાસ તપાસ જ લીધો રે,
વીરા લક્ષ્મણ રે, કોનું હશે આ કામ?
દીસે સીતા વિના સૂનું ધામ.
વંદે શ્રી રામ વિપરીત વાણી, સીતા! સુણો નિર્ધાર;
દાનવ હસ્તથી મુક્ત કીધાં મેં ધર્મતણે અનુસાર.
- વદે શ્રી રામ
જાઓ જ્યાં મન માને ત્યાં, છે દેશ વિદેશ અનેક;
કો રૂપવંતા રાયને મંદિર જાજો ધરીને વિવેક.
- વેદ શ્રી રામ
(સીતાના પ્રત્યુત્તરથી પંક્તિતઓ મળી નથી)


0 comments


Leave comment