48 - વસન્તમાં એક સ્હવારનો સમય / નરસિંહરાવ દિવેટિયા


રોળાવૃત્ત

આ મ્હોટું મેદાન વિસ્તર્યું વ્યોમતણું ત્ય્હાં
રમતી દોડાદોડ્ય સુનેરી વાદળિયો આ,
ને તે નિરખી રહ્યો, ઊજળું હાસ કરંતો,
ઊભો બાજૂ પરે, સૂર્ય-આનન્દ ધરંતો; ૧

ને તરુવર વળી નીચે નિહાળે નિજ છાયા જે
ડૂબતી વાદળીતણી છાયમાં વારે વારે-
હા! આ સહુ સૌન્દર્ય રમે સ્વચ્છન્દે ત્હેની,
જડ મુજ હ્રદય! તું કેમ લહે નહિં પ્રતિમા, ક્હેની? ૨

અરે! ઊડીને ગયા દિવસ પ્હેલાંના લાગે,
જ્ય્હારે આર્ય પુરાણ નિરખતા નજરો આગે
ઉષા ઊજળી બેઠી રહી સુન્દર રથ માંહે
જે રથને દીપતા અશ્વ રાતા જોડાએ; ૩

જ્ય્હારે વળી ભયભીત આર્ય સુણતા નિજ શ્રવણે
મરુતો કેરો નાદ સિંહ સરિખો જે ગગડે;
ને જ્ય્હારે નિજ નૅન નિરખતા ભાવ ધરીને
ભમતો જે પર્જન્ય ઉદ્યકમય રથે ચઢીને. ૪
-૦-
ટીકા
પ્રાચીનતમ સમયમાં -વેદકાળમાં - ઉષા. મરુત્, પર્જન્ય, ઈત્યાદિકને દેવતારૂપે વર્ણેલાં છે તે કવિત્વની દ્રષ્ટિયે તે તે સૃષ્ટિસ્વરૂપને પ્રત્યક્ષવત્ જોઈને જ; અથવા શ્રધ્ધાથી હોય તો પણ સૃષ્ટિનાં સ્વરૂપો જોઈને હૃદય ઉપર કાંઈ પણ અસર ન થવા કરતાં, આમ સહૃદયતા અને કવિત્વની વૃત્તિ ઉત્પન્ન કરનારી પ્રાચીન આર્યશ્રધ્ધા વધારે કીમતી છે, આ ભાવ આ કાવ્યનો છે. તેથી જ "ઊડીને ગયા દિવસ પ્‍હેલાંના લાગે." ઇત્યાદિ કહ્યુ છે.

કડી ૩. ઉત્તરાર્ધ. ૠગ્વેદ ૭-૭૫-૬ જુઓ.
કડી ૪, પૂર્વાર્ધ. ઋગ્વેદ. ૧-૬૪-૮ જુઓ.
ઉત્તરાર્ધ. ઋગ્વેદ. ૫-૮૩-૭ જુઓ.
-૦-


0 comments


Leave comment