51 - ટેકરિયોમાં એક સાંઝનો સમય / નરસિંહરાવ દિવેટિયા
[ગરબી - ઈતિહાસની આરશીસાહી, મ્હેં જોયું માંહિ,
થિર થાવર દીઠું ન કાંઈ ફરતી છે છાઈ'. -- એ ચાલ.]
પંડ પાછળ પડ રચી ઊભા શિખર ગિરવરકેરાં,
રચી અર્ધચક્રનો વ્યૂહ ગૂંથાયા અહિં ભેળાં; ૧
ઘેરી ઊભા આ ઉચ્ચભૂમિ, નિરખી ર્હેતાં
ટગટગ કરી ભર આશ્ચર્યભાવ અંગે લેતાં. ૨
નિર્જન વનમાં આ વેળ શૂન્યતા શી વ્યાપી,
વ્યાપી પેઠી ગિરિહૃદય, શાન્તિસત્તા સ્થાપી. ૩
અહિં શાન્તિશૂન્યતાપૂર સીચ્યું અંગો અંગે
ધારે ટેકરિયો સર્વ, વૃક્ષ પણ તે સંગે. ૪
ગમ્ભીરશાન્તિસરજળે વિશ્વ અહીનું ડૂબ્યું ---
અહિ ભય આશ્ચર્યનું સત્વ મૂર્તિમત શું ઊભું ! ૫
આ સ્થળ મીઠી નીંદરે સૂતી શાન્તિદેવી
ત્હેને ટેકરિયો સર્વ નિરખી રહી આ કે'વી ! ૬
આ એક શિખરના સ્ક્ન્ધ ઉપર ડોકું જ કરી
પાછળ ઊભું બીજું શિખર નિરખતું શું ફરી ફરી ! ૭
ગિરિટોચ છૂટાં તરુ ઊભાં ચોકી કરતાં જ શકે !
તે પણ અહિં અચરજ ધરી શાન્તિ સૂતી નિરખે; ૮
નિરખે જો વળી આ ઊંચે ચઢી વ્યોમ-અટારી
ચંદા કૌતુકથી ભરી મન્દ સ્મિત મુખ ધારી. ૯
નિરખે વળી સન્ધ્યાદેવી, રંગ નારંગ ઉરે
ધરી શુક્રતારલો બાળ, ભરી આશ્ચર્ય પૂરે; ૧૦
એ શુક્રબાળ પણ રહ્યો નિરખી કૌતુકભરિયો
નિજ દિવ્ય રૂપેરી નૅન નાંખતો શો ઠરિયો ! ૧૧
આ વેળ રઝળતું કોઈ પંખી રવ ઝીણ કરે,
કે દૂર ગ્રામના વાસ વિશે કલકલ ઊભરે, ૧૨
તે પણ અહિં જાતા ડૂબી શૂન્યતાપૂર મહિં,
ને શાન્તિતણું સામ્રાજ્ય અડગ ર્હેતું જ અહિં. ૧૩
ને મધ્યરજની નભકુહર વિશે ધસમશી ભારે
વ્હેતો અણદીઠો પવનસિન્ધુ ઘુઘવે જ્ય્હારે, ૧૪
ત્ય્હારે પણ અહિં જે સૂતી શાંતિ તે નવ જાગે,
ગાજે સ્વચ્છન્દ સમીર ભલે હેની આગે. ૧૫
આ નિબિડ શાન્તિનું સ્થાન ઇશ ! હે વ્યર્થ નહિં
રચિયું, કંઈ ગૂઢો ભાવ અર્પિયો એહ મહિં. ૧૬
આ શાન્તિપૂરનો અંશ હૃદય મુજ સીંચી લઉં,
એ અમોલ ફળનો લાભ લઇ હું કૃતાર્થ થઉં. ૧૭
-૦-
ટીકા
કડી ૨, ચરણ ૧. ઉચ્ચભૂમિ -'ઘેરી'નું કર્મ.
કડી ૪. 'ધારે' - નું કર્મ 'શાન્તિશૂન્યતાપૂર'. 'સીંચ્યું' - ભૂતકૃદંત,'૦પૂર'નું વિશેષણ
'વૃક્ષ' - 'ધારે' (અધ્યાહૃત) નો કર્તા.
કડી ૮. શકે - જાણે (ઉત્પ્રેક્ષાવાચક).'નિરખે'નું કર્મ 'શાન્તિ'.
કડી ૧૨-૧૩. 'મધ્યરાત્રિયે કૉયલ' ની કડી ૩, ચરણ ૪ પરની ટીકા જુઓ.
કડી ૧૪. મધ્યરજની - (સપ્તમી) મધ્યરાત્રે.
-૦-
0 comments
Leave comment