52 - કૉયલ / નરસિંહરાવ દિવેટિયા


[ ગરબી - 'આસો માસો શરદપુન્યમની રાત્ય જો.' - એ ચાલ ]

સુણી મધુરો રવ ઊડો કદી આનન્દમાં,
કે શ્યામ વરણ સોધી ખેદ ધરો ત્હમે,
એ તો ગાતી ઘૂમશે તરુના વૃન્દમાં,
કૉયલડી નવ લેખે ત્હમને કો સમે. ૧

વસન્ત ચૂમે વનવેલીને જ્યાહરે,
પવન એહશું હોળી જ્ય્હારે રમે,
ભરઆનન્દે એ તો ગાશે ત્યાહરે,
કોયલડી નવ લેખે ત્હમને કો સમે. ૨

કે ઘન નભમાં નાચે રંગે જ્યાહરે,
ને શીતળ સહુ થળ શાન્તિ વસે ચૉગમે,
ઉછરંગે એ ગાશે મીઠું ત્યાહરે,
કૉયલડી નવ લેખે ત્હમને કો સમે. ૩
-૦-
ટીકા
આ ન્હાના કાવ્યમાં, - મનુષ્યભિન્ન ઇતર સૃષ્ટિ, મનુષ્યની પ્રશંસા કે નિન્દાથી નિરપેક્ષ. પોતાની રુચિને અનુસરી જ, સર્વ વ્યવહાર કરે છે, - તે ભાવ છે.

કડી ૨, ચરણ ૨. એહશું - એ (વનવેલી) સાથે.
પ્રત્યેક કડીના ચૉથા ચરણમાં - ત્‍હમને = મનુષ્યને.
-૦-


0 comments


Leave comment