55 - સન્ધ્યા / નરસિંહરાવ દિવેટિયા


[ગરબી - *'જમુનાંજળ ભરવું મ્હારે કુંવર કન્હૈયા રે' એ ચાલ]

પેલી જો! પશ્ચિમ આકાશ પ્રગટી જ્વાળા રે!
ફેલાઈ છે સહુપાસ દ્યુતિની માળા રે! ૧

અભ્ર અભ્ર સળગિયાં સર્વ દીસે રંગરાતાં રે,
ઠામઠામે દાડિમકુસુમ સરિખાં સુહાતાં રે. ૨

આવી સન્ધ્યાદેવી આમ રંગે રમતી રે,
ધારી સાળૂ કસુંબલ અંગ, મુજ મન ગમતી રે. ૩

જોતાં જોતાં જો હેણે વસન ધર્યું આ બીજું રે,
રંગ નારંગી લીધું દ્યુકૂલ, નિરખી હું રીઝું રે. ૪

નથી કીધું મ્હેં સૌન્દર્યપાન એ લીલાનું રે
તે ક્ષણમાં ધર્યું વસ્ત્ર અન્ય વર્ણ પીળાનું રે;- ૫

[સાખી]
પળ પળ બદલે સાળુડા મનગમિયા નિજ દેહ,
નૂતનધનિકની સુન્દરી કે કો નટનારી તું છે ય? ૬

[મૂળની ચાલ]
આમ રંગબેરંગી અંગે વસન ધરંતી રે ,
ત્‍હેને પેલી શીળી ચંદા સ્મિત જો કરંતી રે. ૭

શી નિરખી રહી આકાશ ઊંચે ચઢીને રે,
સાદું દિવ્ય રુપેરી દ્યુકૂલ ઘનનું ધરીને રે! ૮

શો ઘનપટમાંથી નિહાળે સન્દ્યા સખીને રે?-
પામું હર્ષ કાન્તિ તુજ શાન્ત શીળી નિરખીને રે. ૯

તમ બે સખિયોનાં રમ્ય રૂપ નિહાળી રે,
ભૂલ્યો હું આ જે ચૉપાસ ભૂમિ રસાળી રે. ૧૦

સૂતી સૂતી લીલે હાસે ચંદાને જોતી રે!
ભૂલ્યો આ વળી પર્વતમાળ ચૉગમ મ્હોટી રે- ૧૧

[સાખી]
એક ઉપર બીજી રચી છેક ગગનમાં જાય!
મેધપરિઘશું જે મળી ભ્રમ દેતી ક્ષણ મન માંહ્ય! ૧૨

[મૂળની ચાલ]
હેવાં ભૂમિ અને ગિરિમાળ સન્ધ્યારંગે રે,
રંગે ક્ષણભર નિજ અંગ અતિશ ઉમંગે રે. ૧૩

અભ્રપટ પછી હોડી ગાઢું સન્ધ્યા સૂતી રે,
નેં ચંદાકેરી વિશ્વ વ્યાપી વિભૂતિ રે! ૧૪

[સાખી]
ચઞ્ચલ સન્ધ્યા સુન્દરી ભભક ગણે પ્રિય જેહ,
કે શીળી ચંદા રૂડી એકરૂપ જે દેહ,- ૧૫

[મૂળની ચાલ]
કેઈ ધારું હૃદયની માંહિં? બંને મીઠી રે;
નમ્ર કાન્તિની ચંદાશી અન્ય મ્હેં નવ દીઠી રે. ૧૬

તેમ સન્ધ્યાદેવી રૂપ ભવ્ય ધરંતી રે,
ક્ષણ ભૂલાવી દે ભાન મોહ કરંતી રે. ૧૭

દિવ્ય સખિયો બંને એક એક જ સરખી રે,
કેઈ મ્હોટી ન્હાની કેઈ તે નવ પરખી રે;- ૧૮

હું તો ઉભયતણો દૃઢ ભક્ત બનીને રહું છું રે,
મુજ હૃદય ઉભયસૌનદર્યનું બિમ્બ લહું છું રે. ૧૯
-૦-
ટીકા
કડી ૧. જ્વાળા-સૂર્યાસ્તના પ્રકાશની.
કડી ૯. તુજ -ચંદાની.
કડી ૧૧. 'જોતી'નો કર્તા 'ભૂમિ' (કડી ૧૦).
કડી ૧૨. રચી - પર્વતમાળ રચી.
ભ્રમ દેતી - પર્વતમાળ તે મેઘની ભ્રાન્તિ દેતી.
કડી ૧૯, બિમ્બ - પ્રતિબિમ્બ.
-૦-


0 comments


Leave comment