57 - લાગટ હૅલી ઊઘડતી વખતની રચના / નરસિંહરાવ દિવેટિયા


[ગરબી - * 'જમનાંજળ ભરવું મ્હારે કુંવત કન્હૈયા રે' - એ, ચાલ]

દ્યૌદેવી દીર્ધકાળ મેઘે બન્દી કીધી રે,
ઘનકારાગૃહની માંહ્ય પૂરી દિધી રે; ૧

હેવું નિરખી દેવીનો કાન્ત રવિ આ ઠારે રે
તોડી નાંખી કારાદ્વાર પાદપ્રહારે રે, ૨

કીધી દ્યૌદેવીને મુક્ત, એ હસતી ઉલાસે રે,
ત્‍હેને ભૂમિસખી નિરખંતી રહી પ્રતિહાસે રે. ૩

હવે જાણું જે પ્રલય કરંત મેઘ જશે ન્હાશી રે,-
ત્ય્હારે જો ને એકાએક રચના આ શી રે! ૪

[સાખી]
પવનતુરંગ પલાણીને આવ્યું ઘનદળ આમ!
જોતામાં સહુ દિશે ઝૂકી, કરે વૃષ્ટિપ્રહારો સહુ ઠામ; ૫

[મૂળની ચાલ]
કહિં સંતાયેલી જો સેના મેઘની આવી રે,
દ્યૌદેવીને ગ્રહી લઈ જોરે અતિશ અકળાવી રે. ૬

ફરી વર્તાવ્યું સામ્રાજ્ય જો ઘનરાયે રે,
ક્યહાં સંતાયો રવિરાય, કંઈ ના જણાએ રે. ૭

આહા! પાછી જો પલટાઈ રચના કે'વી રે;
પડ્યે જાતી વૃષ્ટિની ધારા હેવી ને હેવી રે; ૮

તો એ કો કો સ્થળ રવિતેજ ભેદી પ્રકટ્યું રે;
દ્યુતિલીલા વૃષ્ટિની સંગ પ્રકાશી, આ શું રે! ૯

[સાખી]
જે'વી કો મૃદુ સુંદરી રુદન કરંતી જાય,
મહિં વેરે સ્મિત ચળકતાં,- હેવી રચના આ રમ્ય જણાય. ૧૦

[મૂળની ચાલ]
હવે જાશે ઘનનું જોર હેવું ભાસે રે,
અટક્યો વર્ષાઘાત, ને આમ જો આકાશે રે; ૧૧

છિન્ન ભિન્ન થયો શતખણ્ડ મણ્ડપ ઘનનો રે,
ને દેખાયો ભૂરો ગભીર ઉદધિ ગગનનો રે; ૧૨

ભૂરા ઊંડા એ સાગરમાંહિં ધરી દ્વીપલીલા રે,
શા મેધખણ્ડ સુવિશાળ ઠર્યા રંગીલા રે ! ૧૩

ને નીચે લીલેરું આ ક્ષેત્ર ટેકરી તે પારે રે,
દેવાલય ઊભું ભવ્ય ટોચે તે ઠારે રે, ૧૪

રવિકિરણે ચુમ્બિત ત્‍હેનાં શિખર વિરાજે રે;
ત્‍હેની ઉપર ઈન્દ્રધનુ રમ્ય રચ્યું રવિરાજે રેઃ ૧૫

[સાખી]
ઇન્દ્રધનુ આલેખિયું ગગનપટે રવિરાય,
મેઘાસુરસંહારનું એ વિજયતોરણ શું જણાય! ૧૬

[મૂળની ચાલ]
આમ વિજયી જો રવિરાય દ્યૌદેવી સંગે રે,
રંગે રમતો મલકાય પડ્યો તે ઉછંગે રે ! ૧૭

હેવા વિજયલગ્નનાં ગીત ચૉગમ ગાજ્યાં રે,
મીઠાં પંખીડાં હર્ષનાદ કરીને નાચ્યાં રે, ૧૮

અને મધુર મધુકરવૃન્દ સ્થળ સ્થળ ગુંજે રે,
વૃક્ષવેલી કુસુમઉપહાર અર્પે કુંજે રે; ૧૯

લીલી ભૂમિ વર્ષાબિન્દુ તૃણતૃણ ધારી રે,
અર્પે ભરીને મરકતથાળ મોતીડાં ભારી રે. ૨૦

[સાખી]
એમ વિજય વ્યાપી રહ્યો જગ રેલ્યો ઉછરંગ,
હેવા વિજયી લગ્નનો મુજ હઇડે લાગ્યો રંગ; ૨૧

[મૂળની ચાલ]
રંગાઈ હઈડું મ્હારું કરે ગુંજારો રે,
હું એ અર્પું પ્રેમે કાવ્યકુસુમ-ઉપહારો રે. ૨૨
-૦-
ટીકા
કડી ૧. દ્યૌદેવી = આકાશ.
કડી ૨. પાદ = કિરણ અને ચરણ, પગ.

કડી ૫. 'પવનતુરંગ પલાણીને' - આ રૂપક બુધ્ધિપ્રકાશ ૧૮૮૩ના સપ્ટેમ્બર માસમાં 'વર્ષાવર્ણન'માં - 'પવન અશ્વ પલાણી આવ્યા' - એ લીંટી ઊપરથી લીધા જેવું જણાશે. પણ - તે વાંચ્યાનો સંસ્કાર રહીને અજાણતાં જ આમ લખાયું હોય તો કોણ જાણે - બાકી રૂપક એકાએક જ સૂઝતાં પૂર્વના રૂપકનો વિચાર પણ મનમાં ન્હોતો.

કડી ૮, ૯, ૧૦માં 'નાગો વરસાદ' ચાંદનીમાં પડતો વર્ણવ્યો છે.
કડી ૧૯, ઉત્તરાર્ધ - તે-ઉછંગે- ત્‍હેને (દ્યૌદેવીને) ઉછંગે.
કડી ૨૦. તૃણતૃણ - તૃણે તૃણે.

'ધારી'નો કર્તા- 'ભૂમિ', કર્મ - વર્ષાબિન્દુ.' મરકતથાળ - લીલાં પાનાંની બનાવેલી થાળ; લીલાં તરણાંવાળી ભૂમિ તે જ પાનાની થાળ.

મોતીડાં - વર્ષાબિન્દુ તે જ.
કડી ૨૨. હૃદયમાં આનન્દનો ભાવ રમી રહેલો તે જ હઈડાનો ગુંજાર.
-૦-


0 comments


Leave comment