58 - મેઘગર્જન / નરસિંહરાવ દિવેટિયા


[રાગ સોરઠ, તાલ ઝંપા]

પ્રિય! સુણ્ય તું, પેલી નભ ચુમ્બતી
ગિરિમાળ પાછળ નાદ શો?
કંઈં કુપિત સિંહ ગિરિગવ્હરે
ત્રાડતો ધરી ઉન્માદ શો?
પ્રિય! સુણ્ય તું૦ ૧

ન હોય કેશરિનાદ ગભીરો,
એ તો ગર્જતો ધન ધીરો,
સુગન્ધમય જો શીત સમીરો
અહિં આવી દે સુખસ્વાદ શો!
પ્રિય! સુણ્ય તું૦ ૨

રવિપ્રભા ચુમ્બી ઘનરાયે
ઉપજાવ્યું સુન્દર નભમાંહે
રંગીલું ઈન્દ્રધનુ આ એ
વિલસે ધરી આલ્હાદ શો!
પ્રિય! સુણ્ય તું૦ ૩

મત્ત બન્યો જો આ મોરલિયો
કેકારવ કરી નાચે અલી ઓ!
મેઘનાદશું રવ તે મળિયો, -
સુણી મન ઊઠે પ્રતિનાદ શો!
પ્રિય! સુણ્ય તું૦ ૪
-૦-
ટીકા
કડી ૨. સમીરો- (બહુવચન) 'આવી' અને 'દે'નો કર્તા.
કડી ૪. સૂણી મન ઊઠે પ્રતિનાદ શો - કેકા તથા મેઘનાદ સાંભળીને મનમાં ગમ્ભીર આનન્દની ઊર્મિ ઉત્પન્ન થાય તે પ્રતિનાદ.
-૦-


0 comments


Leave comment