60 - મેઘ / નરસિંહરાવ દિવેટિયા
અંગ્રેજ કવિ શેલીના The Cloud નામના કાવ્યનું ભાષાન્તર
[ વિષમ હરિગીત]
વૃષ્ટિ મીઠી તૃષિત ફૂલડાં કાજ સિન્ધુમાં થકી
ને નદીનાળાંમાં થકી લઈ આવું હું જાતે નકી;
પાંદડાં મધ્યાન્હસમયે પ્હોડતાં જે નીંદરે,
કંઈ છાય કુમળી ત્હેમને ધરતો રહું હું આદરે. ૧
માત ધરતી નૃત્ય ફરતી આજૂબાજૂ સૂર્યની,
જે મધુરી કળિયો ઊંઘી ઢળિયો સરશીહેના ઉરની;
તેહને પ્રત્યેકને તે નીંદરેથી જગાડાતાં
મુજ પાંખથી ખરી બિન્દુ જળનાં શીતતા નિજ પાડતાં. ૨
તીવ્ર પડતા ક'રાકેરો ચાબકો હું વીંઝતો,
નીચે પડ્યાં મેદાન લીલાં તે ધવળ કરી રીઝતો;
ને પછી વળી તે ક'રા વરસાદ કરી ઑગાળતો,
પછી ગાજી ગડગડી હશી ખડખડ ચાલતો થઉં મ્હાલતો. ૩
હેઠ મુજ ગિરિવર ઉપર હું બરફ વેરું ચાળીને
ભયભીત મ્હોટા દેવદારુ આરડે તે ન્ય્હાળીને;
પવનસંગે પ્હોડતાં જે વેળ સૂઈ હું ઢળું,
તે વેળ આખી રાત્રિ મુજ તે બરફ અશીકું ઊજળું. ૪
વીજળી મુજ કર્ણધારક બેસતી તે તો વળી
આકાશના મુજ મણ્ડપોના બુરજ પર ઉંચી ચઢી;
બેડી મારી પૂર્યો ગર્જનનાદ હેઠ ગુહા મહિં
તે ઘડી ઘડિયે ધૂધવે, મારે પછાડા ત્ય્હાં રહી. ૫
નીલવર્ણા ! ઉદ્યધિના ઊંડા ઉદરની માંહિ જે
વીરો ક્રૂરંતા તેતણા પ્રેમે થકી લલચાઇને,
કર્ણધારક વીજ મુજ આ, મન્દ મન્દ ગતિ થકી,
પૃથ્વી ઉપર તે ને સિન્ધુ પર તે મુજને દોરી જતી. ૬
ગિરિગરાડો, વ્હેળિયાં ને ટેકરીઓ ઉપરે,
સરોવરો પર, મેદાન પર, મુજને લઈ જઈ તે ઠરે;
જ્યાંહિં જ્યાંહિં જાણતી કે વીર નોજ વ્હાલો વસે,
ગિરિની તળે કે નાળવાંની હેઠ, ત્ય્હાં ત્ય્હાં તે ધસે. ૭
ને હું તો બધી વેળ ત્ય્હાં લગી, - વાત મ્હારી શી કહું ?
આ વ્યોમકેરા ભૂરા સ્મિતની હૂંફમાં રમતો રહું;
ને મહારી કર્ણધારક વીજળી તો હેઠળે
વરસાદ ધારામહિં લય પામી જઇને પીગળે. ૮
ઝળક ઝળકંતાં પીછાં નિજ નાખી દીધા ફૅલવી,
ને નયન પ્રોજ્જ્વલ, એહવો ઊગતો રુધિરરંગે રવિ,
મુજ તરંતા ઘૂમગોટની પીઠ પર તે કૂદી ચઢે,
જે વેળ મૃતસમ શુક્રકેરી ઝળક કંઇ ઝાંખી પડે; ૯
જેહવો, ભૂકમ્પ જે'ને હચહચાવી ઝુલવતો
હેવા મહીધરશૃઙ્ગ પર ક્ષણભર ગરુડ ઊડી આવતો,
આવી બેસે કનકમય નિજ પાંખને તેજે ડૂબ્યો,
ત્યમ તેહ ઊગતો સૂર્ય ધૂમસમૂહ પર ર્હેતો ઊભો. ૧૦
ને નીચે મુજ ભભકતા સિન્ધુ થકી સૂર્યાસ્ત તે
વિશ્રાન્તિના ને પ્રેમના ઉત્સાહ પ્રેરે જ્યાહરે,
ને ઊંચે આકાશના ઉંડા વિવરથી નીકળી
કંઈ કરમજી રંગેલ પડદો સાંઝનો પડતો ઢળી; ૧૧
તેહ સમયે હું મહારી પાંખ બે મીંચી દઈ
બેસું લઈ વિશ્રાંતિ મુજ આકશને માળે જઈ;
શાન્ત કેવો તે સમે હું ! જે'વું કોઇ કબૂતરું
બેઠું ઈંડા નિજ સેવવાઅ, ત્ય્મ માહરી સ્થિતિ હું કરું. ૧૨
પેલી ગોળ કુમારિકા જે શ્વેત તેજ થકી ભરી,
ચંદા કરીને નામ જે'નું મર્ત્યજન ભણતા વળી, -
મધ્યરાત્રિતણી અનિલલ્હેરો થકી પથરાઈ જે
મુજ ઊનઘૉળી ભૂમિ તે પર ચળકર્તી સરી જાય તે. ૧૩
દિવ્યગણ રવ સુણે જે'નો, ને દીસે જે કદી નહિં
હેવા ચરણ એ કન્યકાના, ત્હેમણે પડી જહિં જહિં
તંબૂના મુજ છત્ર ઝીણા તણું પોત જ ભોકિયું,
તહિં તહિં ચંદા પાછળે તારા જુવે કરી ડોકિયું. ૧૪
પવનથી તાણેલ મુજ તંબૂનું છિદ્ર હું જ્યાહરે
વિસ્તારી કાંઈં વિશાળ કરતો કૌતુકેથી ત્યાહરે,
કનકના મધુકરતણા કંઈં વૃન્દ પેરે સોહતા
હું હસું જોઈ તારલા સહુ ઘૂમી ઘૂમી દોડતા. ૧૫
તે પછી અંતે સુશાન્ત નદી, સરોવર, સાગરો,
પ્રત્યેક માંહિં છવાઈ ર્હે ચંદા અને તારાગણો;
તેહ સમયે તે સ્થળે શી થાય શોભા રૂડલી:
ઊંચેથી શું કંઈં વ્યોમ કકડા મુજ મહિંથી પડ્યા ગળી ! ૧૬
સૂર્યને સિંહસને હું મેખળા કસું ઝળકતી,
ને ચંદ્ર તો મોતીડાંની માલિકા ઉજ્જવળ અતિ;
જ્વાળામુખી ઝાંખા પડે તે ઘૂમી તારા તો તરે
જે વેળ મ્હારો વાવટો વંટોળિયા ખુલ્લો કરે. ૧૭
ધોધ ધસમશી જતો હેવા સિન્ધુ પર વિસ્તારમાં
ભૂશિર થકી ભૂશિર લગી બની સેતુના આકારમાં
રવિકિરણ ભેદે નહિં ત્યમ ઝૂકું રચીને છાપરું,
જે ટેકવાને સ્તમ્ભ અથે હું મહીધર વાપરું. ૧૮
વ્યોમ ફરતા વીર તે મુજ રથસરીસા સાંકળ્યા,
ને સૈન્યજન મુજ-પવન, અગ્નિ, તુહિન-મુજ સંગે રહ્યા,
ઠાઠ હેવે જે વિજયતોરણતળેથી નીકળું,
કંઈં લક્ષ વિધ રંગે ભરેલું ઈન્દ્રધનુ તે તો ભલું. ૧૯
વહિનભરિયો ગોળ મ્હોટો મુજ ઉપર ટાંગેલ આ,
એ તોરણે કંઈં રંગ આછા કોમળા ત્હેણે ગૂંથ્યા,
તે સમે ધરણી ત્ય્હાં સોહંતી ભીની માધુરી
કંઈં હાસ રમ્ય કરંતી નીચે રહી ઊભી સુન્દરી. ૨૦
વરુણ ને પૃથ્વીતણું સંતાન છું હું તો ખરે,
ને દેવી દ્યૌ ઉછેરનારી મ્હારું તે પોષણ કરે;
સિન્ધુનાં ને સિન્ધુના ઉપકંઠનાં છીદ્રો મહિં
પેશી વળું; હું રૂપ બદલું પણ કદી હું મરું નહિં. ૨૧
કેમકે વરસાદ જ્ય્હારે વરશીને બંધ જ પડે,
ને વ્યોમ મણ્ડપ નિર્મળો રહે, ડાઘ સોધ્યો નવ જડે;
ને પવન ને પ્રભાઘંટ રચંત રવિકિરણો ખરે
આકાશ કેરો ઘુમટ ભૂરો બાંધીને ઊભો કરે; ૨૨
ત્યાહરે મુજ શબ વિનાની દે'યડી મુજ નિરખી
છાનો હસું મનમાં, અને વરસાદ કેરાં દર થકી -
ઊદર થકી કંઈ બાળ જે'વું જે'વું પ્રેત સ્મશાનથી-
ત્યમ હું ઊંઠું ને તેહ ઘુમ્મટ ફેડી નાંખુ ફેરથી. ૨૩
-૦-
ટીકા
વાદળું (મેઘ) પોતે બોલે છે એમ કલ્પનાથી આ કાવ્યનો આરમ્ભ છે.
કડી ૨, ચરણ ૧. માત ધરતી - પૃથ્વી તે કળિયોની માતા.
કડી ૪, ચરણ ૨.બરફ દેવદારનાં ઝાડ ઉપર પડે તેથી અવાજ થાય તે જ દેવદારનું આરડવું.
કડી ૫, ચરણ ૨. ગુહા - બુરજ નીચેની ગુફા.
કડી ૨૦, ચરણ ૧. ગોળ - સૂર્ય.
પૂર્વાર્ધ - સૂર્યના કિરણથી ઇન્દ્રધનુ થાય છે તેથી આમ કહ્યું છે.
કડી ૨૨, ચરણ ૩. પ્રભાઘંટ રચંત - તેજનો ઘંટ જેવો આકાર રચનારાં રવિકિરણો. રવિકિરણોનો સમુદાય સૂર્યમાંથી નીકળી ગોળ આકાશમાં ફેલાઇ પૃથ્વી ઉપર આવતાં એક મ્હોટો જાણે ઘંટ બનાવે છે, - અંતર્ગોળ આકાર બનાવીને.
પવનથી વાદળાં ઘસડાઈ જાય તથા સૂર્યકિરણથી તથા વાતાવરણથી આકાશનો ભૂરો રંગ જણાય (વિજ્ઞાનશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે)- તેથી તે મળીને આકાશનો ભૂરો ઘુમટ ઊભો કર્યો કહ્યો છે. વિજ્ઞાનની આ શોધ- આકાશના ભૂરા રંગના કારણની-શેલીના વખત પછીની જાણ્યામાં છે.
કડી ૨૩, ચરણ ૧. દે'યડી - સંન્યાસી કે હેવો કોઈ દાટ્યો હોય તે ઉપર ચણે છે તે. મેઘ મરી નથી ગયો છતાં જાણે મરી ગયો ના હોય એમ હેના શબ વિનાની દે'યડી - આકાશનો ઘુમટ-રચાય છે.
-૦-
0 comments
Leave comment