61 - ચંદા / નરસિંહરાવ દિવેટિયા


[વિષમ હરિગીત]

શાન્તિ શીતળ વરશીને સુખમાં સૂવાડું રાત્રિયે,
જે નદી, સરવર, ગદિ તરૂવર, દિવસ તપિયાં થેમને;
કુમુદિની કરમાઈ દિવસે થાકીને સૂઈ જતી
ત્હેને જગાડું કરવડે મૃદુ સ્પર્શ કરેને પ્રેમથી. ૧

કન્યાકા હું કુળવતી મુજ માત મ્હોટી મેદિની
તેજસ્વી સૂર્ય પિતાજી માહરાં હેમનાથી રહું બ્હીની;
માત મારી પૂજ્ય ત્હેની પ્રદક્ષિણા કરું ઉરથી,
મુજ તાત તે પણ પૂજ્ય ત્હેવા, વન્દના કરું દૂરથી. ૨

નામ ચંદા મધુરું મ્હારું પાડિયું મુજ માડિયે;
ઘણી વેલ વિચારી ખેલવા આ વ્યોમ કેરી વાડીયે;
માંહિં વ્હેતી વ્યોમ દૂધ જેવી ઊજળી;
ને ફૂલડાં ખીલ્યાં રૂપાનાં તે ગણંતી ફરું વળી. ૩

ફરું બ્હીતી તાતથી, પણ માત મુજ મન ભાવતી
નિજ સંગ લેઈ ધીમી ધીમી પ્રદક્ષિણા જ કરાવતી;
બન્ધુ મ્હારો રાહુ તે ઉઠ્યો ____ કૂબડો,
કંઈ કોટિ વેળ મુને કનડતો, એ આકરો થઈ પડ્યો.

મ્હારવા આવા પિતાજી ત્ય્હારે આંગને રમું કેડથી,
રૂપા અને હીરા તની ગૅંદો લૈને દોડતી, -
એક લૌં બીજે ઉછાળું, ત્રીજી શિર ઝીલું ધશી,
વળી ફેંકી સઘળી વેગલી માડી ભણી નિરખું હશી. ૫

માગ્યું માત મહી કનેમ, ને તાતની અનુમતિ લીધી,
આ મૃગલું મ્હારું; બાપુ ! ત્હેં હજી સુધા કેમ નથી પીધી ? -
સુધા પાતી એહને, - ભરી કુમ્ભ આપ્યો તાતજી, -
રાખું ઉછંગ મહિં સદા હેને કદાપિ ન દૌં તજી. ૬

વાકું વળિયું રમ્ય રીતે અણીઆલું નાવડું
માતાપિતાએ આપ્યું મુજને, કોદી તે પર જઈ ચઢું;
ચઢી મૂકું તરતું તે સ્વચ્છન્દ ચાલું જાય ત્ય્હાં.
ઊંડું ભૂરું આકાશકેરું જળ અમળ ફૅલાય જ્ય્હાં. ૭

ત્ય્હાં ઘને કો ઠામ વેરી ઝીણી રુપેરી રેત્ય તે,
લઊં ખેલવા લંબાવી કરને નાવડેથી જતે જતે; -
ને બધી આ વેળ હરણું મ્હારું જે બહુ બ્હીકણું,
મુજ સૉડ્યમાં સંતાઈ સૂતું, એ મને રુચે ઘણું - ૮

હેવી મેઘની રેતી સરસું નાવ મુજ ઘસડાય જ્ય્હાં,
મધુરા, રસીલા, મન્દ ઝીણા, સુન્દરા સુર થાય ત્ય્હાં;
માત્ર દિવ્યજનો સુણે એ મીઠું ગાન મનોહતું,
ને સુણે હરણું માહરું ને ઊંઘ મીઠી લે ખરું. ૯

ઊઠી હું મૃદુ ને સુંવાળી સૅજમાંથી જળતની
નાખું નજર ઝીણી સીધી સાગરાને ભૂમિ ભણી
રંગરાતું મુખડું મ્હારું કંઈં વિશાળું સિન્ધુમાં
ધોઈ કરી ચઢું વ્યોમ, વળગ્યાં વાળશું જળબિન્દુડાં. ૧૦

મેઘ પેલો મસ્તીખોરો મુજને રંજાડવા
કંઈ યુક્તિયો બહુવિધ કરે ભંગાણ સુખમાં પાડવા,
પણ હું તો હસતી રમંતી ફરું ઉપર નભ વિશે,
ને એહ સ્થિર મેહુલાશું કદી ભરાઉં નવ રીસે; ૧૧

એ જ મુજને પ્રેમભર આલિંઙ્ગીને કદી લાડતો,
કો સમે નિજ સિંહાસને મુજને વળી બેસાડતો,
ને રૂપેરી કોર્યનો રુમાલ ધોળો દે કદી,
કદી પાથરે મૃદુ સેજ તેપર વળી ક્ષનભર રહું પડી; ૧૨

કો ઘડી વળી શામળી નિજ શાલ લેઈ તેવડે
મારી ઝડપ રમતો રમંતો મુખડું મુજ ઢાંકી દિયે,
ને ત્યહાં અંબોડલો મુજ જાય છૂટી તે સમે,
ને વાળ ચળકંતા રુપેરી વીકહ્રી ચૉગમ રમે. ૧૩

પૂર્ણ પામી વિકાસ મુખ મુજ હાસ અક્રતું પ્રેમથી,
તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે સ્હામો હશી,
ને કરંતો મન્દ મન્દ ઘુઘાટ ભર આનન્દશું,
ફેંકી તરઙ્ગો મુજભણી ધીમે ધીમે નાચંત શું! ૧૪

ભેટવા વિસ્તારી કરને બાથ ભીડું માતને,
તે મુને મન્દ હસંતી નિરખે પ્રેમભીનાં લોચને;
અચળ પેલા તારલાની આસપાસ ઘૂમંતી તે
સપ્તર્ષિ કેરી ગાડલી મુજ દૃષ્ટિ પડતાં ફીકી બને. ૧૫

નદીમાં, સરોવરોમાં, ને સિન્ધુમાં કદી ન્હાતી હું,
તે વેળ થોડાં તારલાને સંગ મુજ લઈ જાતી હું,
ત્યાંહિં નાચું લ્હૅર કરતી, વળી ડૂબકાં ખાતી હું,
ને મૃગલું મ્હારું તેહને એ નવલજળ કદી પાતી હું. ૧૬

કદી ઊંચા પર્વતે ચઢી ટોચ પર ઊભી રહું,
નીચે બિછાવી મ્હેં રુપેરી તેહ જાજમ નિરખું;
દૃષ્ટિ ઊંચી ફેંકુ વળી ઊંડું ભૂરું આકાશ જ્ય્હાં,
ફરી જોઉં વળી રમતો પવન વનવેલી સંગે રાસ ત્ય્હાં. ૧૭

એક પર્વતરાજ મુજ નીચે વિરાજે વિસ્તરી,
જે'નાં શિખર પર હિમ નિરન્તર વાસ કરી ર્ હે છે ઠરી; -
નિજ તળે સુવિશાળ ખણ્ડ પડ્યો અલૌકિક તેહની
નિધવિધ દશાઓ ઊંચી નીચી કાલચક્રે ફરી ઘણી. ૧૮

ને અનન્ત ગયો જ વીતી કાળ ત્હેમાં નિજ સ્થિતિ
નિશ્ચળ રહી, તે જોઇ કરતો ઉજ્જ્વળ અતિ,-
એહવો મ્હોટો મહીધર નભમહિં ધરતો રસે
હજ્જાર શૃઙ્ગે દર્પણો, પ્રત્યેકમાં મુખ મુજ હસે. ૧૯

કો સમે વલી મધ્યભમાં રહું ઊભી જઝૂમતી,
નીચે સૂતાં જે ઝાડઝુંડો ત્ય્હાં નજર મુજ ઘૂમતી;
મુજ કરે રુપેરી બુટ્ટાદાર શતરમ્જી ગૂંથી
ત્ય્હાં પડી તે જોવા હું નાંખુ દૃષ્ટિ ઝીની મથી મથી. ૨૦

પછી નીચે ઊતરું જ્યહાં વ્યોમપૃથ્વી ચુમ્બતાં,
ને તરુઘટાબાકાં મહિં મુજ પ્હોળું મુખ ધરી થંભુ ત્ય્હાં.
પછી સિન્ધુકિનાર પર પળમાત્ર હું ઊભી રહી,
કરી ડોકિયું ફરી એકવેળા; સૂઉં જળસૅજે જૈ. ૨૧

મેઘ નિજ ચઢતી સમે મુજને દ્યમે વિખુટી કરી
માડીથકી બનુવેળ લગી આ વ્હાલસોહી દીકરી;
વિરહ ટલી જે વેળ મળી મુજ માડીને નિરખું ફરી,
તે વેળ કે'વું પ્રફુલ્લ મુખ તુજ! ધરે શોભા સુન્દરી ! ૨૨

કોઇ કોઇ સમે તથાપિ વિયોગાવધિ અંદરે
પાદપ્રહરે તોડી ઘનપડ, પછી જનનીમન્દિરે
ડોકિયાં કરુમ્ જ્યાંહિં જ્યાંહિં પાડી બારી એમ મ્હેં,
ને માતમન્દિર મુકુર મકિયાં મુખ નિરખવું ત્ય્હાં ગમે. ૨૩

ન્હાનું મ્હોટુમ્ મુજ, પણ નિરન્તર અમર હું,
ને જે સમે દેખાઉં નહિં તે સમે તાતની ગમ રહું;
એક ફેરી ફરી રહું માડી પછાડી જ્યાહરે,
જઉં એક વેળા ભેટ લેવા તાતની તો ત્યાહરે. ૨૪

સલૂણી સન્ધ્યા સખી પ્રિય મુજ, ભેટ લેવા ત તણી
મુજ હોડલામાં બેશીને જાઉં કદી હું બની ઠની;-
મૃદુ પવનથી આંગણું વાળી સમાર્યું સ્નેહથી,
વેર્યાં કુસુમ નવરંગી હેમાં ઝીણાઝીણા મેહથી. ૨૫

શાન્ત હેનું નુરખી મુખ મુજ સુખનદી નવ થોભતી,
નારંગી રંગે સાળૂ સુન્દર પ્હેરી સખી શી શોભતી !
ચકચકિત સહુ પ્હેલ ચ્હોડ્યો તારલો સખી ભાળમાં
લાડંતી અડકું એહને કદી આવી જઈ બહુ વ્હાલમાં. ૨૬

હેવી હેવી રમત વિધવિધ સખીસંગ રમંતી હું,
પણ ભેટલ્વા આવે મુને એ ગ્યાહરે ચમકી બિહું, -
કેમકે સ્હામેથી પેલી આવી કાળી રાક્ષસી -
મુઈ રાત્રિ, - હેણે દૂર સખિયો કીધી ક્રૂર વચે ધશી.- ૨૭

ઊડી ગઈ મુજ સખી ઝીની પાંખ નિજ ઝળકાવીને,
ને મુજને તો રાક્ષસીએ પકડી લીધી આવીને;
રાખી કરમાં થોડી વેળા અપ્છી મુને તે ગળી ગઈ,-
જાણે નહિં - હું અમર છું ને બેઠી મુજ મન્દિર જઈ! ૨૮
-૦-
ટીકા
આ કાવ્યમાં ચંદા બોલતી કલ્પી છે. 'મેઘ' એ અંગ્રેજી ઉપરથી ભાષાન્તર છે. 'ચંદા' એ ત્‍હેની નકલ છે.
કડી ૧, ચરણ ૪. કર=૧. કિરણ ૨. હાથ.
કડી૩, ચરણ ૪. રૂપાનાં ફૂલડાં -તારા.
કડી ૫, ચરણ ૨. રૂપા અને હીરાની ગૅંદો-તારા. આ કડીમાં ચંદાનું તારામાં થઈને સંક્રમણ બતાવ્યું છે.
કડી ૭, ચરણ ૧. નાવડું -અર્ધચન્દ્ર.
કડી ૧૫, ચરણ ૧. એક પર્વતરાજ - હિમાલય.

કડી ૧૯, ચરણ ૪. દર્પણો - બરફવાળાં શિખરો તે જે.
કડી ૨૧, ચરણ ૧. જ્ય્હાં વ્યોમપૃથ્વી ચુમ્બતાં - ક્ષિતિજમાં.
કડી ૨૨, ચરણ ૨. આ વ્હાલસોયી દીકરી - હું (ચંદા.)
કડી ૨૩, ચરણ ૪. મુકુર-ચાટલાં, દર્પણ;-સરોવર નદી જળાશય તે જ.
કડી ૨૬, ચરણ ૩. તારલો- શુક્રનો તારો તે જ તારો (ચ્હોડેલો).
-૦-


0 comments


Leave comment