62 - અવસાન / નરસિંહરાવ દિવેટિયા


તોટક
શીળી ચાંદનીની સમ રેલી રહે,
કંઈ ગાન મધુંરું સુમન્દ્ય વહે,
સુણી જે વશવર્તી બની ઠરતા
હરણાંસમ અબ્ધિતરઙ્‌ગ બધા; ૧

મૃદુ એહવું ગાન વહી વિરમે,
તદપિ શ્રવણે ધુનિ ત્હેની રમે;-
રૂડું ઈન્દ્રધનુ પ્રગટી જ શમે,
તદપિ મનમાં મૃદુ રંગ ભમે; ૨

મીઠડાં ફૂલડાં યદ્યપિ કરમે,
સ્મરણે ચિર તોય સુગન્ધ રમે;-
ત્યમ કાવ્ય-પ્રદર્શિત ભાવ બધા
વસજો હૃદયે રસભેર સદા. ૩
-૦-
ટીકા
'Golden Treasury ' નામના અંગ્રેજી કાવ્યસંગ્રહના ચૉથા ભાગના અન્તિમ કાવ્યનો જ ભાવાર્થ બહુધા આ કાવ્યમાં છે; માત્ર પ્રથમ કડીનો ભાવ અપૂર્વ છે.

કડી ૧. ચાંદની જેમ રસમય મીઠી પસરે છે તેમ પસરતું ગાન તે સાગરના તરંગને પણ હરણાંની પેઠે શાન્ત પાડતું કલ્પ્યું છે.

કડી ૩, ચરણ ૩. કાવ્યપ્રદર્શિત - આ 'કુસુમમાળા'માંનાં કાવ્યમાં પ્રદર્શિત કરેલા.
ચરણ ૪. હૃદયે - વાંચનાર સાંભળનારને હૃદયે.
-૦-


0 comments


Leave comment